કીવમાં રશિયાએ ટીવી ટાવર પર હુમલો કર્ય હતો. REUTERS/Carlos Barria

અરબ અને મિડલ ઇસ્ટર્ન જર્નાલિસ્ટ એસોસિએશન (AMEJA) દ્વારા યુક્રેન પરના રશિયન આક્રમણના સમાચારો આવરી લેનાર મુખ્યત્વે પશ્ચિમમાંથી આવેલા ન્યુઝ એન્કર અને પેપરો દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોને “ઓરિએન્ટાલીસ્ટ” અને રેસીસ્ટ તરીકે ઓળખાવી રેસીસ્ટ સૂચિતાર્થોની નિંદા કરી સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા.

યુક્રેનિયન ડેપ્યુટી ચીફ પ્રોસીક્યુટર, ડેવિડ સાકવારેલીડઝે બીબીસીને એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, “હું વાદળી આંખો અને સોનેરી વાળવાળા યુરોપિયન લોકોને મારી નાખવામાં આવતા જોઉં છું… તેમને દરરોજ પુતિનની મિસાઇલોથી મારવા ન જોઈએ.”

સીબીએસ ન્યૂઝના એન્કર ચાર્લી ડી’આગ્ટાએ શનિવારે પ્રસારિત થયેલા એક સેગમેન્ટમાં કહ્યું હતું કે, “માન સાથે કહું છું કે આ એવું સ્થાન નથી, જેમ કે ઇરાક અથવા અફઘાનિસ્તાન, જ્યાં દાયકાઓથી સંઘર્ષ ચાલી રહ્યો છે…આ પ્રમાણમાં સંસ્કારી, પ્રમાણમાં યુરોપીયન છે — મારે શબ્દો કાળજીપૂર્વક પસંદ કરવા પડશે —તમે અહિં એવી અપેક્ષા રાખતા નથી કે આવું બનશે.” એક દિવસ પછી, ડી’આગ્ટાએ પ્રસારણ બાબતે માફી માંગી પસ્તાવો જાહેર કર્યો હતો.

અલ જઝીરાના એન્કર પીટર ડોબીની પણ સોશિયલ મીડિયામાં ટીકા કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે “આ દેખીતી રીતે મધ્ય પૂર્વ અથવા ઉત્તર આફ્રિકાથી દૂર જવાનો પ્રયાસ કરી રહેલા શરણાર્થીઓ નથી. તેઓ કોઈપણ યુરોપિયન કુટુંબ જેવા લાગે છે જેની બાજુમાં તમે રહેતા હો છો.” અલજઝીરાની પીઆર ટીમે ટ્વિટર પર તેમની ટિપ્પણી બદલ માફી માંગી છે.

પત્રકાર ડેનિયલ હેનને અગ્રણી બ્રિટિશ દૈનિક ધ ટેલિગ્રાફમાં લખ્યું હતું કે “તેઓ આપણા જેવા લાગે છે. તે જ તેને ખૂબ આઘાતજનક બનાવે છે. યુદ્ધ હવે ગરીબ અને છેવાડાની વસ્તી હોય ત્યાંજ થાય તેવું નથી. તે કોઈને પણ થઈ શકે છે.”