ભારતની અગ્રણી જાહેર બેંક-બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને ગત નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિકગાળામાં રૂ. 9113 કરોડનો નફો થયો છે, જેથી બેંકનો નફામાં વાર્ષિક 41 ટકાનો વધારો નોંધાયો છે.
આ અંગે બેંકે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ‘બેંકના બોર્ડે 13 મે, 2022ના રોજ યોજાયેલી બેઠકમાં 31 માર્ચે પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે ઈક્વિટી શેર દીઠ રૂ. 7.10 (710 ટકા)નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ડિવિડન્ડની ચુકવણીની તારીખ 10 જૂન, 2022 નક્કી કરવામાં આવી છે.’ બેન્કે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 6451 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. બેંકની વ્યાજની ચોખ્ખી આવક (NII)માં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે. ભારતની સૌથી મોટી બેંકની વ્યાજની આવક અને જાવક વચ્ચેનો તફાવત NII જાન્યુઆરી-માર્ચ કવાર્ટર દરમિયાન 15.26 ટકા વધીને રૂ. 31,198 કરોડ થઈ છે. જોકે, બેંકનો નફો અને વ્યાજની આવક માર્કેટના અંદાજ કરતા ઓછા છે. ચોખ્ખો નફો રૂ. 11,000 કરોડની આસપાસ અને NII રૂ. 32,100 કરોડ થવાનો અંદાજ હતો.
SBIની એસેટ ક્વોલિટીમાં સુધારો નોંધાયો છે. ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (GNPA) આંકડાકીય દ્રષ્ટિએ રૂ. 1.20 લાખ કરોડની સામે ઘટીને રૂ. 1.12 લાખ કરોડ થયા છે. નેટ એનપીએ પણ અગાઉના ક્વાર્ટરના રૂ. 34,540 કરોડની સરખામણીએ ઘટીને રૂ. 27,966 કરોડ થયા છે.
બેંકની લોન બુક 31 માર્ચ, 2022ના અંતે રૂ. 28.18 ટ્રિલિયન હતી, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 25.39 ટ્રિલિયન હતી એટલેકે વાર્ષિક વાર્ષિક ધોરણે 11 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ત્રિમાસિકધોરણે પણ ક્રેડિટ બુક રૂ. 26.64 ટ્રિલિયનથી 5.78 ટકા વધી છે. તેમાંથી રિટેલ લોનમાં 15.11 ટકાની અને કોર્પોરેટ લોનમાં 6.35 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.