
સ્કોટલેન્ડમાં 90 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયેલા વાવાઝોડા ફ્લોરિસે હાઇલેન્ડ્સ, મોર અને એબરડીનશાયરમાં નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું. ફ્લાઇટ્સ અને ફેરી સ્થગિત કરવામાં આવી હતી, અને મુખ્ય પુલો હાઇ-સાઇડેડ વાહનો માટે બંધ કરવામાં આવ્યા હતા. રોયલ એડિનબરા મિલિટરી ટેટૂ અને 100 થી વધુ એડિનબરા ફ્રિન્જ ફેસ્ટિવલ શો જેવા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા.
રીકવરીના પ્રયાસો છતાય મંગળવાર સવાર સુધીમાં લગભગ 22,000 પરિવારો હજૂ પણ વીજળીથી વંચિત રહ્યા છે. સ્કોટિશ અને સધર્ન ઇલેક્ટ્રિસિટી નેટવર્ક્સ (SSEN) એ પુષ્ટિ આપી છે કે 50,000 મિલકતોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
SSEN દ્વારા તેને તાજેતરના સૌથી વિનાશક ઉનાળાના વાવાઝોડા તરીકે વર્ણવ્યું છે. મુખ્યત્વે વૃક્ષો પડી જવાથી વીજળી લાઇનોને નુકસાન થતાં SSEN એ 500 એન્જિનિયરોને તૈનાત કર્યા છે. કેટલાક દૂરના ઘરો ગુરુવાર સુધી વિજળી વગર રહી શકે છે.
અસરગ્રસ્ત રહેવાસીઓને ટેકો આપવા માટે, SSEN ડીંગવોલ, હન્ટલી, વિક, લેર્ગ અને કાયલ ઓફ લોચાલ્શ સહિતના મુખ્ય વિસ્તારોમાં ગરમ ખોરાક અને પીણાં પૂરા પાડી રહી છે.
નેટવર્ક રેલ ટ્રેન નેટવર્ક પર 100થી વધુ સ્થળે વૃક્ષો પડી ગયા હતા. 75 સ્થળોએ વૃક્ષોએ લાઇનોને અવરોધિત કરી હતી કે ઓવરહેડ વાયરને નુકસાન પહોંચાડ્યું હતું. જો કે મોટાભાગની ટ્રેન સેવાઓ રાતોરાત વ્યાપક કાર્ય પછી ફરી શરૂ થઈ હતી.
સ્કોટિશ સરકારે સોમવારે રાત્રે એક ઇમરજન્સી બેઠક યોજી હતી. જસ્ટીસ સેક્રેટરી એન્જેલા કોન્સ્ટન્સે ચેતવણી આપી હતી કે હવામાન સારું હોવા છતાં, રીકવરીમાં સમય લાગી શકે છે.
