
નોર્થ લંડનના ઇસ્લિંગ્ટનના થિસલ સિટી બાર્બિકન હોટેલમાં રહેતા લોકોનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. તો એક મોટા જૂથે સ્થળાંતર કરનારાઓના સમર્થનમાં “શરણાર્થીઓનું સ્વાગત છે” લખેલા બેનરો સાથે પ્રતિ-વિરોધ કર્યો હતો. આ વિકેન્ડમાં વિરોધ અને પ્રતિ-વિરોધ વચ્ચે નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી સાત જાહેર વ્યવસ્થા કાયદાની શરતોનો ભંગ કરવા માટે કરાઇ હતી.
લંડનના કેનેરી વ્હાર્ફમાં બ્રિટાનિયા ઇન્ટરનેશનલ હોટેલમાં રખાયેલા એસાયલમ સિકર્સનો વિરોધ કરવા વિરોધીઓએ દેખાવો કર્યા હતા. જે માટે પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે હોટેલની બહાર એક જૂથ “રહેવાસીઓ અને સ્ટાફને હેરાન કરી રહ્યું હતું, અને ડિલિવરી અટકાવવા તથા વાડ તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પોલીસ અધિકારીઓએ દરમિયાનગીરી કરતા એક અધિકારીને ધક્કો માર્યા બાદ પોલીસે એકની ધરપકડ કરી હતી.
મેટ્રોપોલિટન કોર્ટે ખલેલ પહોંચાડનારા ચોક્કસ જૂથને વિસ્તાર છોડી દેવા અને તેમને 28 દિવસ માટે પાછા ફરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે જવાબદારીપૂર્વક વિરોધ કરતા લોકોને તે લાગુ પડશે નહિં.
નોર્થમ્બ્રિયા પોલીસે ન્યૂકાસલમાં ન્યૂ બ્રિજ હોટેલની બહાર વિરોધ અને પ્રતિ-વિરોધમાં ધરપકડના અહેવાલ પણ આપ્યા છે.
એસેક્સ પોલીસે એપિંગમાં બેલ હોટેલની બહાર વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધો મૂકી વિરોધ માટે કલાકો મર્યાદિત કરવા ઉપરાંત વિરોધ માટેના વિસ્તારો નક્કી કર્યા છે. પોલીસ લોકોને ચહેરા પરના આવરણ દૂર કરવાની ફરજ પાડી શકે છે.
આ પગલાં યુકેમાં આશ્રય નિવાસની આસપાસ ચાલી રહેલા તણાવ અને વિરોધ પ્રદર્શનો અને સમુદાય સુરક્ષાનું સંચાલન કરતી સત્તાવાળાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પ્રતિબિંબિત કરે છે.
