ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સોમવાર, 3 જાન્યુઆરીથી જોહાનિસબર્ગ ખાતે ચાલુ થયેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે ટોસ જીતને બેટિંગ લીધી હતી. ભારતનો બેટર હનુમાન વિહારી શોટ રમી રહ્યો છે. . (ANI Photo)

ભારતીય વન-ડે ટીમનો નવો કેપ્ટન રોહિત શર્મા તેની પગના સ્નાયુની ઈજાના કારણે સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં પણ રમી શકશે નહીં. હવે તેના સ્થાને યુવા બેટ્સમેન કે. એલ. રાહુલની વન-ડે ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરાઈ છે. સાઉથ આફ્રિકા પ્રવાસની ટેસ્ટ ટીમની જાહેરાત વખતે જ પસંદગીકારોએ વન-ડે ટીમના કેપ્ટન તરીકે કોહલીને હટાવીને રોહિત શર્માને સુકાન સોંપવાની જાહેરાત કરી હતી. પણ રોહિત ઈજાગ્રસ્ત થતાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે.

વાઈસ કેપ્ટન તરીકે જસપ્રીત બુમરાહ ઉપર પસંદગીનો કળશ ઢોળાયો છે. આ ઉપરાંત, વન-ડે સીરીઝ માટે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આરામ અપાયો છે. રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ અનફિટ હોવાથી ટીમમાં જોડાઈ શક્યા નથી.

ભારતીય વન-ડે ટીમ આ મુજબ રહેશે: કે. એલ. રાહુલ (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ ઐયર, ઋષભ પંત, ઈશાન કિશન, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, ભૂવનેશ્વર કુમાર, દીપક ચાહર, પ્રસિધ ક્રિશ્ના, શાર્દુલ ઠાકુર અને મોહમદ સિરાજ.