ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવાર, 3 ડિસેમ્બર 2021ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો. ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમની ટોચ ઉછાળ્યા બાદની તસવીર (ANI Photo)

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શુક્રવારે ચાલુ થયેલી બીજી ટેસ્ટના પહેલા દિવસની રમતને  અંતે ભારતની ટીમે  4 વિકેટના નુકસાન પર 221 રન કર્યા હતા. ટીમના ઓપનર મયંક અગ્રવાલ 120 અને વિકેટકીપર રિદ્ધિમાન સાહા 25 રને અણનમ રહ્યાં છે. ન્યૂઝીલેન્ડ તરફથી એજાઝ પટેલે ચારેય વિકેટ લીધી છે.

આ મેચમાં ટોસ જીતી કેપ્ટન કોહલીએ બેટિંગ પસંદ કરી હતી. શુભમન ગિલ અને મયંક અગ્રવાલે પહેલી વિકેટ માટે 80 રન જોડ્યા હતા. એજાઝ પટેલે આ પાર્ટનરશિપ પર બ્રેક લગાવી હતી અને તેણે પહેલી સ્લિપમાં ગિલ (44)ને રોસ ટેલરના હાથે કેચ કરાવી કિવી ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. 80ના સ્કોર પર એજાઝ પટેલે ઈન્ડિયન ટીમની બીજી વિકેટ પાડી દીધી હતી, તેણે ચેતેશ્વર પુજારાને ક્લિન બોલ્ડ કર્યો હતો. ચેતેશ્વર પુજારા શૂન્ય રન કરી પેવેલિયન ભેગો થયો હતો.

ગિલ-પુજારા અને વિરાટ બેક ટુ બેક પેવેલિયન ભેગા થતા ઈન્ડિયન ટીમને ફટકો પડ્યો હતો. વિરાટ કોહલીના વિવાદાસ્પદ આઉટ આપવામાં આવ્યો હતો.

ઓપનર મયંક અગ્રવાલે પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી 196 બોલમાં પૂરી કરી હતી. ખરાબ દેખાવને કારણે મયંકને ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ પ્લેઈંગ-11માંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તેણે ન્યૂઝીલેન્ડ સામેની કાનપુર ટેસ્ટમાંથી ટીમમાં વાપસી કરી હતી, પરંતુ તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું,

કાનપુરમાં પ્રથમ ટેસ્ટમાં સદી કરનાર શ્રેયસ અય્યર પ્રથમ ઈનિંગમાં એજાઝ પટેલની ઓવરમાં 18 રને આઉટ થયો હતો. આઉટ થતા પહેલા તેણે ઓપનર મયંક અગ્રવાલ સાથે ચોથી વિકેટ માટે 106 બોલમાં 80 રન જોડ્યા હતા.