ઓટીટી પ્લૅટફૉર્મ ઝીફાઇવ લૉકડાઉનના સમયમાં પણ મનોરંજન પૂરું પાડવામાં કોઈ કસર છોડવા નથી માગતું. નવા શોનું કામ ભલે અટકી ગયું હોય, પણ પોતાના પ્લૅટફૉર્મને અપડેટ રાખવા માટે ઝીફાઇવે એપ્રિલમાં શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલની જાહેરાત કરી છે. ફેસ્ટિવલમાં ૧૫ એપ્રિલે એટલે કે આવતી કાલે પહેલી ફિલ્મ ‘હાર્ટબીટ’ રિલીઝ થશે જેમાં રાજીવ ખંડેલવાલ અને અનુપ્રિયા ગોએન્કા છે.
તો સેલિના જેટલીની ફિલ્મ ‘અ ટ્રિબ્યુટ ટુ ઋતુપર્ણો ઘોષ ઃ સીઝન્સ ગ્રીટિંગ્સ’ પણ આ પ્લૅટફૉર્મ પર જોવા મળશે. કલકત્તાનું બૅકડ્રૉપ ધરાવતી આ ફિલ્મ જાણીતા ફિલ્મમેકર ઋતુપર્ણો ઘોષને અર્પણ કરવામાં આવી છે. રામ કમલ મુખરજી નિર્દેશિત આ ફિલ્મમાં મા-દીકરીના સંબંધોની વાત છે જેમાં સેલિના જેટલી દીકરી અને લિલેટ દુબે માના રોલમાં છે.
‘નો એન્ટ્રી’, ‘અપના સપના મની મની’, ‘થૅન્ક યુ’ જેવી ફિલ્મો કરી ચૂકેલી સેલિના જેટલીએ લગ્ન બાદ લાંબો બ્રેક લીધો હતો અને આ ફિલ્મ થકી તે કમબૅક કરી રહી છે. તો લિલેટ દુબે ‘મૉન્સૂન વેડિંગ’, ‘કલ હો ના હો’, ‘બાગબાન’ જેવી અનેક ફિલ્મો કરી ચૂક્યા છે. આ ફિલ્મ ‘કાર્ડિફ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ’ અને ‘રાજસ્થાન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ’ જેવા અનેક જાણીતા નૅશનલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વખણાઈ છે.














