મેક્સિકોના સાન માટેઓ એટેન્કોમાં સોમવારે ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરી રહેલા એક નાનું ખાનગી જેટ ક્રેશ થતાં સાત લોકોના મોત થયા હતાં. ઉતરાણ વખતે વિમાન એક બિલ્ડિંગની છત સાથે અથડાયું હતું અને મોટી આગ લાગી હતી. આ દુર્ઘટનામાં મોટા પાયે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શન કોઓર્ડિનેટર એડ્રિયન હર્નાન્ડેઝે જણાવ્યું હતું કે વિમાનમાં આઠ મુસાફરો અને બે ક્રૂ સભ્યો હતા, જોકે ક્રેશ થયાના કલાકો પછી માત્ર સાત મૃતદેહો જ મળી આવ્યાં હતાં. વિમાને ફૂટબોલના મેદાન પર ઉતરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના બદલે નજીકના બિઝનેસના ધાતુના છત સાથે અથડાયું હતું, જેના કારણે ભારે આગ લાગી હતી. સાન માટેઓ એટેન્કોના મેયર અના મુનિઝે મિલેનિયો ટેલિવિઝનને જણાવ્યું હતું કે, “આગના કારણે આ વિસ્તારમાં લગભગ 130 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.”
દુર્ઘટનાગ્રસ્ત વિમાન એકાપુલ્કોથી રવાના થયું હતું અને મેક્સિકો સિટીથી લગભગ 31 માઇલ પશ્ચિમમાં સ્થિત ટોલુકા એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. દુર્ઘટના સ્થળ એરપોર્ટથી લગભગ ત્રણ માઇલ દૂર ઔદ્યોગિક વિસ્તારમાં હતું.













