કેન્સરગ્રસ્ત સાત વર્ષના ભારતીય બાળકની ખુશીનો પાર રહ્યો નહોતો કેમકે દુબઈના પ્રિન્સ શેખ હમદાને તેમના આ પ્રશંસક સાથે મુલાકાત કરી હતી. શેખ હમદાને બાળકની સાથે પોતાનો ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. થર્ડ સ્ટેજનું કેન્સર ધરાવતા હૈદરાબાદના અબ્દુલ્લા હુસેને સોશિયલ મીડિયા પર ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે પોતાના આદર્શ શેખ હમદાનને મળવા ઈચ્છે છે. જેના પછી એક સમાચાર ચેનલ પર આ સમાચાર દર્શાવાયા હતા. અબ્દુલ્લાએ એક વીડિયોમાં કહ્યું હતું, ‘શેખ હમદાન ખૂબ શાંત, સાહસી અને દયાળુ છે. હું તેમના પાળીતા જાનવરોને મળવા ઈચ્છું છું અને તેમના પરિધાનોને જોવા માગું છું.’ એક બેનરમાં આ બાળકે લખ્યું હતું કે શેખ હમદાન, હું આપનો ફેન છું. આપને મળવા ઈચ્છું છું. અબ્દુલ્લાની માતા નૌશીન ફાતિમાએ આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે તેમને (શેખ હમદાન)ને મળવાની મારા પુત્રની ઈચ્છા હતી, જે પૂરી થઈ છે.