સેવા ઇન્ટરનેશનલ હ્યુસ્ટન દ્વારા શાનદાર ગરબા નાઇટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ લોકો જોડાયા હતા અને સંગીત, નૃત્ય, ભક્તિ અને સમુદાયના બંધનની અવિસ્મરણીય સાંજનો આનંદ માણ્યો હતો. આ ઉજવણી ગરબા કિંગ ઉમેશ બારોટ અને ગુજ્જુ ભૂરિયા શાયર ઠક્કરના આકર્ષક ગરબાઓ અને સંગીતથી ભરેલી હતી અને લોકોએ મોડી રાત સુધી ગરબાની મોજ માણી હતી.
પરંપરાગત ભોજન, આઈસ્ક્રીમ અને પાન પીરસતા રંગબેરંગી સ્ટોલ્સે ઉત્સવની ભાવનામાં ઉમેરો કર્યો હતો, જેનાથી આનંદદાયક મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું. સાંજનું સમાપન માતાજીની ભાવનાપૂર્ણ આરતી સાથે થયું હતું. જેમાં સૌ ભક્તેએ પ્રાર્થના કરી નવરાત્રીના સાચા સારને ઉજાગર કર્યો હતો.
સેવા ઇન્ટરનેશનલે તેના સમર્પિત સ્વયંસેવકો, ઉદાર દાતાઓ અને વિશાળ સમુદાયનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો જેમના ઉત્સાહી સમર્થનથી આ કાર્યક્રમ ભવ્ય રીતે સફળ બન્યો હતો.
