ક્રોયડન, પર્લી, થોર્ન્ટન હીથ અને નોર્બરી વિસ્તારોમાં નબળા અને વૃદ્ધ લોકોને ગરમ ભોજન પૂરૂ પાડવાની નિઃસ્વાર્થ સેવા બદલ સેવા કિચનની ટીમનું ક્રોયડનના મેયર દ્વારા સર્ટિફીકેટ ઓફ રેક્ગનાઇઝેશન ફોર સર્વિસ એનાયત કરી સન્માન કરાયું હતું.

કોવિડ રોગચાળો ચરમસીમાએ હતો ત્યારે સ્થપાયેલ સેવા કિચન દ્વારા દર અઠવાડિયે સરેરાશ 50 જેટલા જરૂરિયાતમંદ વૃધ્ધો, નિર્બળ અને એકલા રહેતા લોકો અથવા દંપત્તીને ઘરે બનાવેલું ગરમ ભોજન કોઇ પણ ફી કે અપેક્ષા વગર આપવામાં આવે છે. સેવા કિચન માત્ર પોષણ પૂરું પાડીને જ નહીં પરંતુ મુશ્કેલ સમયમાં સાથીદારી અને પ્રેમની ભાવના પ્રદાન કરીને સમુદાયને પ્રભાવિત કરે છે.

ક્રોયડનના મેયર કાઉન્સિલર કોલા અગ્બુલાએ જણાવ્યું હતું કે ‘’હું તમારા સતત પ્રયાસો માટે આભાર માનું છું. તમે સમગ્ર બરોમાં સમુદાય અને કરુણાની ભાવનાને પ્રોત્સાહન આપ્યું છે. ક્રોયડનના તમામ રહેવાસીઓ વતી તમે જે કંઈ કર્યું છે તેના માટે મારી હૃદયપૂર્વક પ્રશંસા અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

LEAVE A REPLY