દક્ષિણ દિલ્હીના શાહિન બાગમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન કાશ્મીરી પંડિતો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસાના અહેવાલ છે. અહીં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કાશ્મીરી પંડિતો પણ પહોંચ્યા અને “કાશ્મીરી પંડિતોને ન્યાય આપો”ના નારા લગાવી રહ્યા હતા, જેના કારણે બંને પક્ષો વચ્ચે સંઘર્ષ છેડાયો હતો. કાશ્મીરમાંથી ખદેડી મુકાયેલા, વિતેલા 30 વર્ષથી પોતાની દુર્દશા ઉજાગર કરવાના હેતુસર અને પોતાના માટે સમર્થન મેળવવા માટે કાશ્મીરી પંડિતો દિલ્હીના શાહિન બાગે એકજૂટ થયા હતા.

ઉલ્લેખનીય છે કે 30 વર્ષ પેહલા આજના જ દિવસે કાશ્મીરી પંડિતોને તેમના ઘરોમાંથી ખદેડી દેવામાં આવ્યા હતા જે પછી તેઓ પોતાના જ દેશમાં શરણાર્થી બની પુર્નવાસની વાટ જોઇ રહ્યા છે. જોકે દિલ્હી શાહિન બાગમાં પ્રદર્શનકારીઓ દ્વારા આજના દિવસને ઉજવણીનો દિવસ જાહેર કરતા જશ્ન એ શાહિન કાર્યક્રમનું આયોજન કર્યું હતું, આથી તેના વિરોધમાં કાશ્મીરી પંડિતો શાહિન બાગ ખાતે “કાશ્મીરી પંડિતોને ન્યાય આપો”ના નારા સાથે પોતાના માટે સમર્થન મેળવવા પહોંચ્યા હતા.

નોંધનીય છે કે દક્ષિણ દિલ્હીમાં સ્થિત શાહિન બાગમાં છેલ્લા એક મહિનાથી નાગરિકતા કાયદાના વિરોધ પ્રદર્શન કરી રેહલા દેશવાસીઓ પાસે કાશ્મીરી પંડિતો સમર્થન મેળવવા માટે ત્યાં પહોંચ્યા હતા. દિલ્હી પોલીસ પણ પ્રદર્શન કરી રહેલી મહિલાઓને રોડ ખાલી કરવા માટે અપીલ કરી ચૂકી છે, પરંતુ આ માટે તેઓ રાજી નથી. દિલ્હી પોલીસ સતત પ્રયત્નશીલ છે કે આ મામલે કોઇ હિંસાના બનાવો ન બને.