ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી ઇજાગ્રસ્ત હોવાના કારણે તે હવે IPLમાં રમી શકશે નહીં. મોહમ્મદ શમી ગુજરાત ટાઇટન્સ માટે રમે છે અને તેણે છેલ્લી બે સિઝનમાં ટીમની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ હવે તેની પગની ઈજાને કારણે આઈપીએલ 2024માંથી બહાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શમીના પગની ઘૂંટીમાં ઈજા થઈ છે. શમીને સર્જરી માટે ઈંગ્લેન્ડ મોકલવામાં આવી શકે છે.
મોહમ્મદ શમીએ ગુજરાત ટાઇટન્સ તરફથી સૌથી વધુ વિકેટ લીધી છે. ગત સિઝનમાં તેણે 17 મેચમાં 28 વિકેટ ઝડપી હતી અને ટીમ ફાઇનલમાં પહોંચી હતી. 2022માં આ ફાસ્ટ બોલરે 20 વિકેટ લઈને ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. ગુજરાત ટાઇટન્સ માટે મહત્ત્વની વાત એ છે કે હવે હાર્દિક પંડ્યા પણ તેમની સાથે નથી અને શમી નહીં રમવાના કારણે તેઓ બીજા અનુભવી ખેલાડીની ખોટ ઊભી થશે. આ વખતે ટીમની કમાન શુભમન ગિલના હાથમાં છે અને હવે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગુજરાત ટાઇટન્સ હવે શમીના સ્થાને અન્ય કોઇ ઝડપી બોલરને ટીમમાં સામેલ કરવા ઇચ્છશે. જોકે, ઉમેશ યાદવ, કાર્તિક ત્યાગી અને સ્પેન્સર જોન્સન જેવા ઝડપી બોલરો ટીમમાં છે. આ ઉપરાંત શમી ટી-20 વર્લ્ડ કપ સુધી પણ ફિટ નહીં રહે. દાવો થઇ રહ્યો છે કે ઓક્ટોબર અને નવેમ્બર સુધી તેના માટે મેદાનમાં ઉતરવું મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાને ઓક્ટોબરમાં બાંગ્લાદેશ અને નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમશે. શમી વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી સુધી જ વાપસી કરી શકશે.

LEAVE A REPLY

two × four =