(Photo by STRDEL/AFP via Getty Images)

પોર્ન ફિલ્મ કેસમાં પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ તેની અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીએ મીડિયાને ખોટા નિવેદનો છાપવાનું બંધ કરવા માટે વિનંતી કરી હતી.

પોલીસ રિમાન્ડ બાદ રાજ કુંદ્રાને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. રાજનો કેસ ચાલી રહ્યો છે તે દરમિયાન શિલ્પા શેટ્ટીને લઈને મીડિયામાં જાતજાતના અહેવાલો પ્રવર્તી રહ્યા છે. ત્યારે શિલ્પા પહેલીવાર આ સમગ્ર મામલે પોતાનો પક્ષ મૂકતા કહ્યું છે કે, તે અને તેનો પરિવાર મીડિયા ટ્રાયલ નથી ઈચ્છતા.

શિલ્પા શેટ્ટીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લાંબી પોસ્ટ મૂકીને પોતાની વાત રજૂ કરી છે. શિલ્પાએ લખ્યું, “છેલ્લા થોડા દિવસો દરેક મોરચે મુશ્કેલ રહ્યા છે. ઘણી અફવાઓ ઉડી છે અને આરોપો લાગ્યા છે. મીડિયા અને મારા શુભચિંતકો (જે ખરેખર શુભચિંતકો નથી) દ્વારા મારા પર બિનજરૂરી દોષારોપણ કરવામાં આવ્યા છે. બહોળા પ્રમાણમાં ટ્રોલિંગ થયું અને સવાલો ઉઠવાયા, જે માત્ર મારા પર નહોતા મારા પરિવાર પર પણ હતા. હવે હું મારો પક્ષ મૂકું છું કે મેં હજી કોઈપણ ટિપ્પણી કરી નથી અને કરીશ પણ નહીં કારણકે આ કેસ હજી ચાલી રહ્યો છે. મહેરબાની કરીને મારા નામે ખોટા નિવેદનો છાપવાનું બંધ કરી દો.”

શિલ્પાએ અંતે કહ્યું, “હું કાયદાનું પાલન કરનારી ભારતીય નાગરિક છું અને છેલ્લા 29 વર્ષથી મહેનત કરી રહેલી વર્કિંગ પ્રોફેશનલ છું. લોકોએ પોતાનો વિશ્વાસ મારામાં મૂક્યો છે અને મેં ક્યારેય તેને તોડ્યો નથી. સૌથી મહત્વની વિનંતી કે, આ મુશ્કેલીના સમયમાં મહેરબાની કરીને તમે મારા પરિવાર અને મારા પ્રાઈવસીના અધિકારનું માન જાળવો. અમે મીડિયા ટ્રાયલને પાત્ર નથી. કાયદાને તેનું કામ કરવા દો. સત્યમેવ જયતે.”