અમેરિકાના રોડ આઇલેન્ડની પ્રખ્યાત બ્રાઉન યુનિવર્સિટી કેમ્પસમાં ફાઇનલ પરીક્ષા દરમિયાન શનિવારે બપોરે થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં ઓછામાં ઓછા બે વિદ્યાર્થીના મોત થયાં હતાં અને બીજા નવ લોકો ઘાયલ થયા હતાં. હેન્ડગનથી સજ્જ શૂટરે 40થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરતાં નાસભાગ મચી હતી. પોલીસે આ હુમલામાં એક શંકાસ્પદને અટકાયતમાં લીધો હતો.
પ્રોવિડન્સ સિટીના પોલીસના વડા કર્નલ ઓસ્કાર પેરેઝે જણાવ્યું હતું કે અટકાયત કરાયેલ વ્યક્તિ 30 વર્ષની આસપાસની ઉંમરનો છે અને અધિકારીઓ હાલમાં બીજા કોઈની શોધ કરી રહ્યા નથી. જોકે આ શંકાસ્પદની ધરપકડ ક્યાંથી કરાઈ હતી અને તે યુનિવર્સિટી સાથે જોડાયેલો હતો કે નહીં તેની સ્પષ્ટતા કરી ન હતી.
પ્રોવિડન્સ શહેરીમાં આવેલી આ આઇવી લીગ સ્કૂલના એન્જિનિયરિંગ બિલ્ડિંગમાં ફાઇનલ એક્ઝામ દરમિયાન શૂટર પહેલા માળના વર્ગખંડમાં ઘુસ્યો હતો અને ફાયરિંગ ચાલુ કર્યું હતું. ગોળીબારની ચેતવણી મળ્યા પછી નજીકની લેબના વિદ્યાર્થીઓએ લાઇટ બંધ કરી દીધી હતી અને ડેસ્ક નીચે છુપાઈ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં સેંકડો પોલીસ અધિકારીઓએ બ્રાઉન યુનિવર્સિટી કેમ્પસ અને નજીકના વિસ્તારોની તપાસ ચાલુ કરી હતી અને શૂટરનો પીછો કરવા માટે વીડિયો તપાસવા લાગ્યાં હતાં. નવ ઘાયલ લોકોને રોડ આઇલેન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં એકની હાલત ગંભીર હતી.
અધિકારીના જણાવ્યા અનુસાર હેન્ડગનથી સજ્જ શૂટરે 40થી વધુ 9mm રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અધિકારીઓએ બે લોડેડ 30-રાઉન્ડ મેગેઝિન જપ્ત કર્યા હતાં. આ ઘટનાને પગલે ઘણા સ્થાનિક બિઝનેસે બંધ પાડ્યો હતો.
બ્રાઉન યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ક્રિસ્ટીના પેક્સને દરેક વ્યક્તિ મુશ્કેલીમાં છે અને આપણી પાસે ઘણી રિકવરી બાકી છે. અગાઉ પેક્સને જણાવ્યું હતું કે તેમને કહેવામાં આવ્યું હતું કે ગોળીબારમાં માર્યા ગયેલા 10 લોકો વિદ્યાર્થીઓ હતાં. ફાયરિંગની ઘટનાને પગલે સામાન્ય રીતે સપ્તાહના અંતે પ્રવૃત્તિઓથી ધમધમતી શેરીઓ શાંત બની ગઈ હતી.













