ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) દ્વારા ગયા મહિને જાહેર કરાયેલા ડેટા મુજબ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસ દ્વારા નોંધાયેલા વાર્ષિક શોપ લીફ્ટીંગ ગુનાઓની સંખ્યા પહેલીવાર કુલ 516,971 ગુના નોંધાઇ છે જે સંખ્યા 2023માં 429,973 હતી.
દુકાનોમાંથી થતી ચોરીના ગુના છેલ્લા બે વર્ષથી રેકોર્ડ સ્તરે ચાલી રહ્યા છે અને કોવિડ-19 રોગચાળા પછી તેમાં તીવ્ર વધારો થયો છે.
સ્ટોર્સ અને સુપરમાર્કેટમાંથી ચોરીઓ કરતી ઓર્ગેનાઇઝ્ડ ગેંગ તરફથી વધતી હિંસાનો થઇ રહ્યો છે. નોર્થ લંડનના એક શોપિંગ સેન્ટરમાં કામ કરતા સુરક્ષા ગાર્ડને ચોરે ચહેરા પર મુક્કો માર્યા બાદ ગાર્ડ્ઝ છરા સામે રક્ષણ આપતા જેકેટ પહેરી રહ્યા છે.
વર્ષની શરૂઆતમાં વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે રિટેલ શોપલિફ્ટિંગ પર કડક કાર્યવાહીની અને કન્ઝર્વેટિવ સરકારના “શોપલિફ્ટિંગ ચાર્ટર”ને રદ કરવાની જાહેરાત કરી હતી. જે ચાર્ટરમાં પોલીસને £200થી ઓછી ચોરીઓની તપાસ ન કરવા માટે કહેવાયું હતું. બ્રિટિશ રિટેલર્સ કન્સોર્ટિયમનો અંદાજ છે કે શોપલિફ્ટિંગથી રિટેલર્સને દર વર્ષે લગભગ £2 બિલિયનનું નુકસાન થાય છે.
