લંડનમાં ૧૧ મે’ના રોજ નાગ્રેચા પરિવારે ગયા વર્ષે ૭૮ વર્ષની વયે અવસાન પામેલા જાણીતા ફિલાન્થ્રોપિસ્ટ અને સ્વપ્નદ્રષ્ટા બિઝનેસમેન શ્રી વિનુભાઈ નાગ્રેચાને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપવા હૃદયસ્પર્શી સ્મારક સંધ્યાનું આયોજન કરાયું હતું. જેમાં મિત્રો, પરિવારના સભ્યો અને સમુદાયના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન રેડીયો પ્રેઝન્ટર બાલી બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ઓર્કેસ્ટ્રા દ્વારા વિનુભાઈના 40 મનપસંદ ગીતોની એક ક્યુરેટેડ પ્લેલિસ્ટ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના ફોટોગ્રાફ્સના એક હૃદયસ્પર્શી સંગ્રહે તેમની યાત્રાને તાદ્રશ્ય કરાવી હતી.
યુગાન્ડાના નાયબ વડા પ્રધાને ખાસ સ્મૃતિ પત્ર પાઠવ્યો હતો. જેમાં વૈશ્વિક મંચ પર વિનુભાઈની પ્રભાવશાળી હાજરીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
વિનુભાઈ નાગ્રેચાને દિનેશ રાજા, જયંતિભાઈ પિત્રોડા, કિશોર પંડ્યા, પ્રોફેસર કોટેચા, ડૉ. શંકર, ઘનશ્યામભાઈ, નરેન્દ્રભાઈ ઠકરાર, બી.કે. જસુબેન, કિરણ ઉનડકટ, કપિલાબેન અને મીનાબેન (ગાયત્રી પરિવાર), જિન્દી ખેરા, કિરણભાઈ મોરઝારિયા અને હર્ષા જાનીએ અંજલિ આપી હતી.
તેમના બહેન ઉમીબેને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, “વિનુભાઈ સેવા, શ્રદ્ધા અને સંતોષના આત્મા હતા. તેઓ હંમેશા તેમની પ્રામાણિકતા, મૂલ્યો અને સ્વભાવ દ્વારા આપણી સાથે રહેશે.’’ ભાઈ હસુભાઈએ ભાવના સાથે ઉમેર્યું હતું કે “અમે તેમના વારસાને આગળ વધારવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.”
