જાણીતી ફિલ્મ અને ટીવી સીરિયલ નિર્માત્રી એકતા કપૂર નારી પ્રધાન ફિલ્મ બનાવવાનું વિચારે છે. એક્શન-થ્રિલરથી ભરપૂર આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરને મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવી હતી. ફિલ્મની કહાની સાંભળ્યા પછી શ્રદ્ધા પણ ખૂબ ખુશ હતી. આ ફિલ્મમાં આગળ વધવા માટે એકતા અને શ્રદ્ધા બંનેએ સંમતી દર્શાવી હતી.
જોકે એકતાની અપેક્ષા કરતાં મોટી ફી વસૂલવાનો પ્રયાસ શ્રદ્ધાને ભારે પડ્યો છે. શ્રદ્ધાની માગણીને સ્વીકારવાના બદલે એકતાએ અન્ય અભિનેત્રીને શોધવાનું શરૂ કર્યું હોવાનું કહેવાય છે. શ્રદ્ધા કપૂરે ‘સ્ત્રી 2’ની સફળતા પછી પોતાની ફી વધારી દીધી હતી. એકતા કપૂરે ફિલ્મ ઓફર કરી ત્યારે પણ શ્રદ્ધાએ નવી ફીનો આગ્રહ રાખ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, શ્રદ્ધાએ એકતા પાસે રૂ. 17 કરોડથી વધુ ફીની સાથે નફામાં પણ ભાગ માગ્યો હતો.
શ્રદ્ધાની આ વાત સાંભળ્યા પછી એકતા કપૂરને આશ્ચર્ય થયું હતું. એકતા કપૂરે આ ફિલ્મને અત્યારે સ્થગિત કરવાનું વિચાર્યુ હતું. એકતા માને છે કે, શ્રદ્ધાને આટલી મોટી ફી આપવા જતા ફિલ્મનું બજેટ ખોરવાશે. એકતા કપૂરે ‘તુમ્બાડ’ના દિગ્દર્શક રાહી અનિલ બર્વે સાથે થ્રિલર ફિલ્મ બનાવવાનું વિચાર્યુ હતું. આ ફિલ્મની સ્ટોરી નારી પ્રધાન છે.
તેથી ફિલ્મની મુખ્ય અભિનેત્રીને કામ કરવાનો મોકો મળશે. શ્રદ્ધા કપૂરે રોમાન્સ, કોમેડી થ્રિલર અને એક્શન સહિત વિવિધ જોનરમાં અનેક ફિલ્મો કરેલી છે. એકતાને પણ શ્રદ્ધા કપૂરના કામ અને તેના સ્ટારડમ પર વિશ્વાસ હતો. જોકે, નારી પ્રધાન ફિલ્મોને ખાસ નફો મળતો નથી અને તેથી તેનું બજેટ પણ મર્યાદિત રાખવું પડે છે.
