પ્રસ્તુત તસવીરમાં પુસ્તકનું વિમોચન કરતા સિગ્મા પરિવારના બીજી પેઢીના સદસ્યો ડાબેથી રાજીવ ભરત શાહ, સચિન મનીષ શાહ, ભાવિન મનીષ શાહ, હતુલ ભરત શાહ, પારસ કમલ શાહ નજરે પડે છે. (ડો. નિશલ શાહ ફરજ પર હોવાથી હાજર રહી શક્યા નહતા.)

ઓશવાલ ઓસોસિએશન ઓફ ધ યુ.કે. (OAUK) તરફથી સિગ્મા પરિવારના સહયોગથી જિન-દર્શન પુસ્તકનું વિમોચન કરવા સાથે શ્રુતજ્ઞાનની ઉજવણી રવિવાર તા. ૧૯.૦૭.૨૦ના રોજ ઓશવાલ સેન્ટરમાં કરવામાં આવી હતી. સિગ્મા પરિવારના સ્વ. હંસરાજભાઈ દેવરાજ શાહ, સ્વ. લલીતાબહેન હંસરાજભાઈ શાહ, સ્વ. દિવ્યાબહેન કમલભાઈ શાહના સ્મર્ણાથે આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે.

આ કાર્યમાં પૂર્વ તથા હાલના પ્રમુખશ્રી તુષારભાઈ શાહ, નિલેશભાઈ શાહ અને ધાર્મિક સમિતિના અધ્યક્ષ શ્રીમતી વર્ષાબહેન શાહે સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો. ૨૦૧૮માં, OAUKના પચાસ વર્ષ પૂર્ણ થયાની યાદગીરી નિમિત્તે આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

કોવિડ-19 પરિસ્થિતીના કારણે આ કાર્યક્રમમાં સીગ્મા પરિવારના સદસ્યો સહિત કુલ 30 લોકો જ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પણ ઝૂમ / યુટ્યુબ પર કરાયેલા તેના પ્રસારણને ઑસ્ટ્રેલિયા, ભારત, આફ્રિકા, કેનેડા અને યુરોપના ઘણા ભાગોના 4000 કરતાં વધુ લોકોએ જોયું હતું.

સિગ્મા ફાર્માસ્યુટીકલ્સના મોભી ભરતભાઇ શાહે જણાવ્યું હતું કે ‘’અમે માનીએ છીએ કે આપણા જૈન ધર્મ અને સંસ્કૃતિને આપણી ભાવિ પેઢીઓ માટે ટકાવી રાખવી જરૂરી છે. આ પ્રકારના પ્રકાશનથી આપણી ભાવિ પેઢીઓને આપણી ધાર્મિક માન્યતાઓ, દેરાસરની ધાર્મિક વિધિઓ અને આપણી હજારો વર્ષ જૂની સમૃદ્ધ સંસ્કૃત્તિ વિશે સમર્થ બનાવશે એટલું જ નહિ તેમને શિક્ષણ અને તાલીમ પણ આપશે. આપણે એક બહુસાંસ્કૃતિક સમાજમાં રહીએ છીએ તેમ છતાં, આપણે આપણાં મૂળને ભૂલવાં ન જોઈએ અને આપણા ખૂબ જ મહત્ત્વપૂર્ણ જૈન ધર્મને વિખરાવવા અને ભૂલાવા દેવો જોઈએ નહિં. અમે આશા રાખીએ છીએ કે ઓશવાલ એસોસિએશન તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ આ પુસ્તક ફક્ત યુકેમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં દેરાસરે જતા જૈનો તથા બિન-જૈનો માટે ઉપયોગી બનશે અને માર્ગદર્શિકા તરીકે મદદ કરશે. પૂર્વ પેઢીના અને આફ્રિકામાં ઉછરેલા જૈનો યુકેમાં વસે છે જેમનું જૈન ધર્મ વિશેનું જ્ઞાન ઓછું હોવાથી તેમને ઘણી બધી ધાર્મિક વિધિઓ કરવામાં આ પુસ્તક મદદ કરશે.’’

ભરતભાઇએ જણાવ્યું હતું કે ‘’ઓશવાલ સેન્ટરમાં શરૂ કરવામાં આવેલ પાઠશાળાના વર્ગોમાં સેંકડો ભાવિકો જૈન ધર્મના પાયાનું જ્ઞાન મેળવે છે. પાઠશાળાનાં ભાવિકોના ભાવને જોતાં સહુને ઉપયોગી જિનાલયની વિધિ, પૂજા ઇત્યાદિની સમજણ સહિત ‘જિન દર્શન’ પુસ્તક બનાવવાની ભાવના જાગી હતી. અમે આશા રાખીએ કે આ પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં હોવાથી વધુ ભાવિકો તેનો ઉપયોગ કરી શકશે. આ સરળ, ચિત્રમય દ્ધિભાષી પુસ્તક બાળકો, યુવાનો અને વડીલો ભણી શકે, જાણી શકે અને ઉપયોગ કરી શકે તે માટે તેમાં ક્રમસર, અર્થસભર, માર્ગદર્શન આપનાર કેટલાંક ચિત્રો સાથે જિન દર્શન–પૂજા વિધિ, જરૂરી ક્રિયા, સાધના, સૂત્રો તેમજ સ્તવન, ભક્તિ ગીતો આદીની વ્યવસ્થિત રીતે વિગતવાર સમજણ આપવામાં આવી છે.’’

જિન દર્શન પુસ્તકનુ સંપાદન અને સંકલન પૂજ્ય શ્રી જયેશભાઈ શાહે તેમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ પુસ્તક બનાવવા માટે ઘણાનો સાથ મળ્યો હતો. સંશોધન, રચનાઓ તથા ચિત્રોની વ્યવસ્થિત ગોઠવણી કરવામાં, ગુજરાતીનું અંગ્રેજીમાં ભાષાંતર કરી સંપૂર્ણ પુસ્તકને બંન્ને ભાષાઓમાં ટાઇપસેટ અને પ્રકાશિત કરવાના ભગીરથ કાર્યમાં શ્રીમતી શોભાબહેન હરીશ શાહ અને શ્રીમાન હરીશભાઈ મેઘજી શાહ તરફથી હ્રદયપૂર્વક સેવાનું યોગદાન મળ્યું છે.

બાળકો, યુવાનો અને વડીલોને ધ્યાનમાં રાખીને જિન દર્શન વિધિનું પૂસ્તક પ્રકાશન થયું છે. આ પુસ્તક વિશ્વભરમાં દરેક દેરાસરમાં દર્શન-પૂજા માટે ઉપયોગી બનશે અને વિનય અને વિવેકપૂર્વક સમજણથી દર્શન-પૂજા વિધિનું જ્ઞાન પ્રાપ્ત થશે એવી અપેક્ષા છે. અમે ઇચ્છીએ છીએ કે વિશ્વભરમાં બધા લોકો તરફથી આ પુસ્તકનો ઉપયોગ કરવામાં આવે. ઇસ્ટ આફ્રિકા, ભારત, યુએસ, કેનેડા અને ઑસ્ટ્રેલિયામાં તેના વિતરણ કાર્યની શરૂઆત થઈ ગઇ છે. વધુ માહિતી કે જિન દર્શન પુસ્તકની નકલ મેળવવા કૃપા કરી સંપર્ક કરો. ઇમેઇલ: [email protected]