(Photo by Darren Staples/Getty Images)

દેશભરમાં 23 માર્ચથી લાગુ કરાયેલુ લૉકડાઉન તા. 4 જુલાઇથી સ્થાનિક લોકડાઉન તરીકે લેસ્ટરમાં લંબાવાયા બાદ તા. 3 ઑગસ્ટથી સિનેમાઘરો અને ધાર્મિક સ્થળો સહિત ગ્રાહકોને પાછા આવકારવા માટે પબ્સ, કાફે અને રેસ્ટોરન્ટ્સ અને હેરડ્રેસર્સને પરવાનગી આપવામાં આવી છે. પરંતુ તે બિઝનેસીસના માલીકો ‘આનંદિત’ થવાના બદલે મુશ્કેલી અનુભવી રહ્યા છે. મોટાભાગના બિઝનેસીસ પાંચ મહિના ધંધો બંધ રહ્યો હોવાથી હવે તેઓ સંઘર્ષ અનુભવી રહ્યા છે.

ગયા અઠવાડિયે સરકારે જાહેરાત કરી કે શહેરની હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રી ફરીથી વેપાર શરૂ કરી શકે છે. શુક્રવારે તા. 31ના રોજથી મુસાફરી પરના પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા જેથી લોકો શહેરની અંદર કે બહાર મુસાફરી કરી શકે છે. જો કે કોરોનાવાયરસના ચેપને નીચે રાખવા માટે લોકોને હજી પણ ઘરે અને બગીચામાં બીજા પરિવારના લોકોને મળવાની મનાઈ છે. હાલમાં લેસ્ટરમાં જીમ, સ્વિમિંગ પુલ, મ્યુઝીયમ્સ, પુસ્તકાલયો અને લેઝર સેન્ટર બંધ રહેશે.

સિટી મેયર સર પીટર સોલ્સ્બીએ જણાવ્યું હતું કે ‘’મોટા ભાગના બિઝનેસીસને મહિનાઓ બાદ પ્રથમ વખત ખુલતા જોઈને આનંદ થયો છે. લેસ્ટરમાં હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ પડકારજનક સમય રહ્યો છે જેને એક મહિના જેટલુ  લાંબુ લોકડાઉન સહન કરવું પડ્યું છે. મને લાગે છે કે ધીરે ધીરે ધંધા શરૂ થશે અને વિશ્વાસ પાછો મેળવશે.”

લેસ્ટર સિટી કાઉન્સિલના ઇન્સપેક્ટર્સ બિઝનેસીસની મુલાકાત લઇ સામાજિક અંતર માટે પગલા લેવામાં આવ્યા છે અને હેન્ડ-સેનિટાઇઝર સ્ટેશનો રાખવામાં આવ્યા છે કે નહિં તેની તપાસ કરી રહ્યા છે.

ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશ્યલ કેરે (ડીએચએસસી) ગુરુવારે તા. 30ના રોજ મોડી રાત્રે ઘોષણા કરી હતી કે કોરોનાવાયરસના રોગ સામે લડવા માટે અન્ય પ્રતિબંધો ચાલુ  રહેશે અને કેટલાક પગલા હળવા કરવામાં આવશે. જો કે રાજકારણીઓ અને રહેવાસીઓ દ્વારા સ્પષ્ટતાના અભાવની નિંદા કરવામાં આવી છે. શહેરમાં ચેપના દરમાં સતત ઘટાડો થતો રહે છે.

દેશના મોટાભાગના વિસ્તારોની તુલનામાં ચેપનો દર ઉંચો હોવા છતાં સ્થાનિક સ્તરે ચેપનો દર જૂનના અંતમાં કરતા અડધો છે. 24 જુલાઇ સુધીના સાત દિવસ દરમિયાન લેસ્ટરમાં 228 કેસ નોંધાયા હતા જેની સંખ્યા 24 જૂન સુધી 556 કેસની હતી. જો કે, લેસ્ટરમાં પોઝીટીવ ટેસ્ટની સંખ્યા હજી વધુ છે. 25 જુલાઇ સુધીના સાત દિવસમાં દર 100,000 લાખ લોકો દીઠ દર્દીના સંખ્યા 59 હતી. તેનો અર્થ એ કરી શકાય કે રોગને ફેલાતો અટકાવવા અને ચેપનો દર સતત નીચે લાવવા કેટલાક પગલાઓ ચાલુ રહેવા જોઈએ.

લેસ્ટરના પબ્લિક હેલ્થના નિયામક ઇવાન બ્રાઉને કહ્યું હતું કે “લેસ્ટરમાં ઘરો વચ્ચે વાયરસનો પ્રસાર થાય છે. વ્યક્તિઓ રોગના કોઈ લક્ષણો બતાવતા ન હોવાથી તેઓ જોખમ ઉભુ કરે છે. તેથી જ અન્ય ઘરના લોકોની સાથે ઘરની અંદર મળવા પર અને ઘરે મિત્રો અને કુટુંબોની મુલાકાત લેવા પરનો પ્રતિબંધ લેસ્ટરમાં થોડા સમય માટે ચાલુ રહેશે. આપણે જે બલિદાન આપી રહ્યા છીએ તેનાથી ચેપના દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.’’

તેમણે કહ્યું હતું કે “મારો સંદેશ એક જ છે કે કૃપા કરીને અન્ય લોકોના ઘરોની મુલાકાત ન લો; જો શક્ય હોય તો ઘરેથી કામ કરો; સામાજિક અંતર રાખો; સારી રીતે હાથ ધોવાની આદત રાખો; કોરોનાવાયરસના લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવો અને જો પોઝીટીવ હો તો કૃપા કરીને ઘરે રહો અને ઓછામાં ઓછા 10 દિવસ આઇસોલેટ રહો તથા તમારા પરિવારજનો 14 દિવસ માટે આઇસોલેટ રહે તેની ખાતરી કરો. જો આપણે આ કરશું તો ઇન્ફેક્શન રેટને નીચે લાવી શકીશું અને શિયાળામાં આપણે વધુ સારી સ્થિતિમાં આવી શકીશું.”

ઈદ-અલ-અદા અને રક્ષાબંધન પર્વની ઘરે સુરક્ષિત રીતે ઉજવણી કરવા અને પરિવાર તથા મિત્રો સાથે ન મળવા તાકીદ કરવામાં આવી હતી. આસીસ્ટન્ટ મેયર ફોર ઇક્વાલીટી – કાઉન્સિલર રીટા પટેલે અગાઉ જણાવ્યું હતું કે, “સોમવારે શહેરભરના પરિવારો રક્ષાબંધનનો તહેવાર દુર્ભાગ્યવશ પહેલાની જેમ એક બીજાના ઘરે જઇને રાખડીઓ બાંધીને કરી શકશે નહિં. તેથી હું દરેકને પોતાના ઘરે ઉજવણી કરવા વિનંતી કરીશ.”

લેસ્ટર લૉકડાઉન : નવા નિયમોની વિગતવાર માહિતી

સોમવારે તા. 3થી લોકો રજા પર દૂર જઇ શકશે અને પહેલેથી ‘બબલ’ બનાવ્યા હશે તેમને ત્યાં રાત રહી શકશે. પણ તે સિવાય કોઇને ત્યાં રાત રહી શકશે નહિં. બીજા ઘરના વધુમાં વધુ છ લોકોને બગીચા કે ખુલ્લી જગ્યાઓ પર 2 મિટરનું અંતર રાખી મળી શકો છો. ડે ટ્રીપ પર જઈ શકાશે અને તા. 31ને  શુક્રવારથી બિન-જરૂરી મુસાફરી કરી શકાશે અને તમારી સાથે રહેતા લોકો સાથે રજા પર જઈ શકો છો.

પરંતુ લોકો કુટુંબ અથવા મિત્રોની તેમના ઘરની અંદર અથવા બગીચાઓમાં મુલાકાત લઈ શકશે નહી કે કેફે, બાર અથવા રેસ્ટોરન્ટમાં ઘરની બહારના કોઈની સાથે મળી શકશે નહિ. સરકાર ગુરુવાર, તા. 13 ઓગસ્ટ સુધીમાં લેસ્ટરની પરિસ્થિતિની સમીક્ષા કરશે.

લેસ્ટર શહેરમાં કોરોનાવાયરસના ચેપને ડામવા માટે મૂકવામાં આવેલા યુકેના પ્રથમ સ્થાનિક લોકડાઉનને કારણે ઘણા સ્થળોએ વેપાર વિના વધારાના મહિનાનો સામનો કર્યો છે. હવે લગભગ પાંચ મહિના પહેલા બંધ થયેલ ધંધો ફરીથી શરૂ કરતા તેમને બધુ જુદુ લાગે છે.

ઘણા પબમાં વન-વે સિસ્ટમ્સ લાગુ કરવામાં આવી છે અને સામાજિક અંતર જાળવવા ટેબલ અને ખુરશીઓ નવેસરથી ગોઠવવામાં આવી છે. બાર અને કાઉન્ટરો ઉપર રક્ષણાત્મક સ્ક્રીન મૂકવામાં આવી છે અને જમનારા અને પીનારાઓને તકેદારી રાખવા કહેવામાં આવી રહ્યું છે.

લેસ્ટરના બિઝનેસીસ માટે સરકારે વધારાના લાખો પાઉન્ડની જાહેરાત કરી

લેસ્ટર, ઓડબી અને વિગસ્ટન ખાતે લૉકડાઉન હેઠળ સંઘર્ષ કરી રહેલા સ્થાનિક બિઝનેસીસને મદદ કરવા માટે વધારાના લાખો પાઉન્ડના સપોર્ટ પેકેજને હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે મંજૂરી આપી છે. સ્થાનિક રાજકારણીઓ અને બિઝનેસ લીડર્સે ધંધા માટે વધારાની રોકડ રકમની માંગ કરી ચેતવણી આપી હતી કે શહેરની અર્થવ્યવસ્થા પતનના આરે છે.

લેસ્ટર, ઓડબી અને વિગસ્ટનને £3 મિલીયન આપવામાં આવશે જેમાંથી £400,000 ઑડબી અને વિગસ્ટનમાં ઉપલબ્ધ કરવામાં આવશે. માર્ચમાં લેસ્ટર સિટી કાઉન્સિલને £85 મિલિયન વહીવટ માટે અપાયા હતા અને બીજા £2.6 મળશે.

સિટી મેયર સર પીટર સોલ્સબીએ જણાવ્યું હતું કે ‘’મદદ આવકાર્ય છે, પરંતુ બિઝનેસીસને જે જરૂરી છે તેનો નાનો ભાગ છે. સરકારે આપેલા £85 મિલિયના ભંડોળમાંથી £10 મિલિયનુ અનુદાન હજી બાકી છે જે આપવા વિનંતી છે.