
મે 2024માં લંડનના મેયર તરીકે ત્રીજા કાર્યકાળ માટે ફરીથી ચૂંટાયેલા લંડનના મેયર સર સાદિક ખાનને રાજકીય અને જાહેર સેવા માટે બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ દ્વારા નાઈટહૂડનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
ઔપચારિક સમારોહમાં મેયર એક ઘૂંટણિયે પડ્યા હતા અને મહારાજા ચાર્લ્સ દ્વારા તેમને તલવારથી ડબ કરવામાં આવ્યા, જે નાઈટહૂડ આપવાની પરંપરાગત પ્રક્રિયા હતી.
આ સન્માન મેળવનાર લંડનના પ્રથમ મેયર સર સાદિકે કહ્યું હતું કે ‘’નાઈટ બનવા બદલ ખરેખર નમ્રતા અનુભવે છે. મારી મમ્મી અહીં છે, અને જાહેરાત થઈ ત્યારથી તે ભાવુક છે. દેખીતી રીતે ઇમિગ્રન્ટ્સનો પુત્ર હોવાને કારણે, મારા માતા-પિતા પાકિસ્તાનથી અહીં આવી રહ્યા છે, તે અમારા માટે મોટી વાત છે.”
જોકે, કન્ઝર્વેટિવ્સે તેમના નાઈટહૂડની ટીકા કરી છે. શેડો હોમ સેક્રેટરી અને ક્રોયડન સાઉથના સાંસદ ક્રિસ ફિલ્પે દાવો કર્યો છે કે લંડનના લોકો “નિષ્ફળતાના તેમના ટ્રેક રેકોર્ડને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે તે યોગ્ય રીતે ગુસ્સે થશે”.
આ પ્રસંગે ઇસ્લિંગ્ટન સાઉથ અને ફિન્સબરીના સાંસદ ડેમ એમિલી થોર્નબેરીને પણ ઔપચારિક રીતે ડેમહૂડ એનાયત કરાયો હતો. તેઓ 2005થી ઇસ્લિંગ્ટન સાઉથ અને ફિન્સબરીના સાંસદ છે.
