પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના ન્યૂયોર્કના વૂડબોર્ન જેલ સુધાર ગૃહમાં બંધ છ કેદીઓએ આઠ એપ્રિલે થનારા સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા માટે જેલ સત્તાવાળા સામે કાનૂની જંગે ચડ્યા હતા અને અને આ કેસમાં તેમનો વિજય પણ થયો હતો. કેદીઓના વકીલોએ ગુરુવારે જણાવ્યું હતું કે આ કેસમાં સરકાર સાથે સેટલમેન્ટ થયું છે અને તેનાથી કેદીઓને સંપૂર્ણ ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યગ્રહણ જોવાની મંજૂરી અપાશે.

કેદીઓએ ગયા સપ્તાહે દાખલ કરેલી ફરિયાદમાં દલીલ કરી હતી કે 8 એપ્રિલે તમામ જેલમાં જાહેર કરાયેલું લોકડાઉન કેદીઓના ધર્મનું પાલન કરવાના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે. સરકારના નિર્ણયથી તેઓ ધાર્મિક રીતે મહત્વપૂર્ણ ઘટનાના સાક્ષી બની શકશે નહીં. આ કેદીઓમાં એક બાપ્ટિસ્ટ, એક મુસ્લિમ, સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ, સેન્ટેરિયા પંથના અનુયાયી અને એક નાસ્તિકનો સમાવેશ થાય છે.

ફરિયાદમાં જણાવાયું હતું કે અમેરિકામાં આવી ખગોળીય ઘટના છેલ્લે 2017માં જોવા મળી હતી અને હવે છેક 2044માં ફરી જોવા મળશે નહીં. આ પ્રકારની ખગોળીય ઘટના દરમિયાન સભા, ઉજવણી, પૂજા અને પ્રાર્થના કરવી જરૂરી છે. મુકદ્દમા જણાવાયું હતું કે એક નાસ્તિક ફરિયાદીને ગયા મહિને રાજ્ય દ્વારા પ્રદાન કરવામાં આવતા ચશ્માનો ઉપયોગ કરીને સૂર્યગ્રહણ જોવા માટે વિશેષ પરવાનગી મળી હતી. જોકે આ પરવાનગી  સિસ્ટમ-વ્યાપી લોકડાઉન જારી થાય તે પહેલા મળી હતી.

નાસ્તિકને મળેલી પરવાનગી પછી બીજા ચાર કેદીઓએ પણ આવી પરવાગી માગી હતી, પરંતુ જેલ સત્તાવાળાએ પરવાનગી આપી ન હતી. જેલ સત્તાવાળાએ દલીલ કરી હતી કે સૂર્યગ્રહણનો ધાર્મિક રીતે પવિત્ર દિવસોની યાદીમાં સમાવેશ થતો નથી. છઠ્ઠા કેદીએ જણાવ્યું હતું કે તેને પરવાનગી માગી હતી, પરંતુ કોઇ જવાબ મળ્યો ન હતો.

સુધારણા વિભાગના પ્રવક્તા થોમસ મેઇલીએ જણાવ્યું હતું કે એજન્સી પેન્ડિંગ કેસો પર ટિપ્પણી કરતી નથી, પરંતુ ધાર્મિક બાબતો માટેની તમામ વિનંતીઓની વિચારણા કરે છે. ગ્રહણ જોવા સંબંધિત અરજીઓ હાલમાં સમીક્ષા હેઠળ છે.

વિભાગના એક્ટિંગ કમિશનર ડેનિયલ માર્ટુસેલો IIIએ  11 માર્ચે એક મેમો જારી કરીને જાહેરાત કરી હતી કે તમામ રાજ્ય સુધારણા ગૃહો આવતા સોમવારે રજાના સમયપત્રક મુજબ કામ કરશે. તેનો અર્થ એ કે જેલમાં બંધ વ્યક્તિઓ બપોરે 2 થી સાંજના 5 વાગ્યા સુધીની તેમને હાઉસિંગ યુનિટોમાં બંધ રહેશે. વિભાગકર્મચારીઓ અને જેલમાં બંધ વ્યક્તિઓ માટે સૂર્યગ્રહણ સુરક્ષા ચશ્માનું વિતરણ કરશે જેથી તેઓ તેમના સોંપેલ કાર્ય સ્થાન અથવા આવાસ એકમોમાંથી ગ્રહણ જોઈ શકશે.

LEAVE A REPLY

five × five =