સ્માર્ટફોન પર સૌથી વધારે સમય ઉપયોગ કરવામાં ભારતીયો વિશ્વમાં સૌથી આગળ છે. તેઓ ફક્ત કોલ કે મેસેજ જ નહીં, પરંતુ સ્ટ્રીમિંગ અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ ભારતીયો વધારે સમય પસાર કરે છે. કોવિડને કારણે વર્ક ફ્રોમ હોમના કલ્ચરને કારણે મોબાઇલ ડેટાનો વધ્યો છે. અને આવનારા સમયમાં પણ આ સ્થિતિ જોવા મળશે, તેવું એરિક્સન મોબિલિટી રીપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2019માં વ્યક્તિદીઠ સરેરાશ 12 જીબી ડેટાનો ઉપયોગ દર મહિને થતો હતો, જે વર્ષ 2021માં વધ્યો છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ 2020માં ભારતમાં ડેટાનો વપરાશ પ્રતિ વ્યક્તિ વધીને 13.3 જીબી થયો હતો. હવે ૨૦૨૧માં આ આંકડો વધીને પ્રતિ વ્યક્તિ 18.4 જીબી થયો છે. તેની સામે નોર્થ અમેરિકામાં આ આંકડો 2019માં પ્રતિ વ્યક્તિ 8.9 જીબી હતો, 2020માં વધીને 11.8 જીબી થયો. 2021માં આ આંકડો 14.6 જીબીને પાર કરી ગયો. વેસ્ટર્ન યુરોપમાં આ આંકડો 2019માં 7.5 જીબી હતો, 2020માં વધીને તે પ્રતિ માસ 11 જીબીથી પણ વધી ગયો. 2021માં તે 15.2 જીબી થઈ ગયો.
મધ્ય અને પૂર્વ યુરોપમાં ડેટાનો વપરાશ વર્ષ 2019માં પ્રતિ વ્યક્તિ દર માસે 5.1 જીબી હતો, જે વર્ષ 2021માં વધીને 9.9 જીબી થયો છે. વર્ષ 2021માં ભારતમાં 81 કરોડ સ્માર્ટફોન હતા અને આ આંકડો 2027 સુધી વધી 1.2 બિલિયન થઈ જશે. ભારતમાં વર્ષ 2027 સુધી ફોર-જીનો દબદબો રહેશે. જ્યારે 2027ના અંત સુધીમાં ભારતમાં ફાઇવ-જીના 50 કરોડ ગ્રાહકો હશે. આ ઉપરાંત વિશ્વમાં સૌથી સસ્તું મોબાઇલ ઇન્ટરનેટ ભારતમાં છે. વર્લ્ડ મોબાઇલ ડેટા પ્રાઇસિંગના રીપોર્ટ પ્રમાણે ભારતમાં પ્રતિ એક જીબી મોબાઇલ પેકેજ વિશ્વમાં સૌથી વધુ સસ્તુ છે. તેના પછીના ક્રમે ઇઝરાયેલ, કિર્ગિસ્તાન, ઇટલી અને યુક્રેન છે.