કેનેડા-અમેરિકાની સરહદે કાતિલ ઠંડીમાં પટેલ પરિવારના ચાર સભ્યોના મોતના આરોપી સ્ટીવ શાન્ડનો અમેરિકન કોર્ટમાંથી કોઈપણ બોન્ડ ભર્યા વગર જ છૂટકારો થયો છે. સ્ટીવ શાન્ડ પર અમેરિકામાંથી ભારતીયોની તસ્કરી કરવાનો આરોપ છે. અમેરિકા વિશ્વભરમાં માનવ તસ્કરીનો વિરોધ કર રહ્યું છે ત્યારે આવા આરોપીનો કોઈપણ બોન્ડ ભર્યા વગર છૂટકારો થતાં લોકોને આશ્ચર્ય થયું છે.
સ્ટીવ શાન્ડની ગત સપ્તાહે ધરપકડ કરાઈ હતી અને તેના પર અમેરિકન કાયદાનો ભંગ કરીને અન્ય દેશના લોકોને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ અપાવાનો આરોપ છે. તેને 20 જાન્યુઆરીએ અમેરિકાની મિનેસોટાની કોર્ટમાં મેજિસ્ટ્રેટ હિલ્ડી બોબીર સમક્ષ રજૂ કરાયો હતો અને તેને 24મી જાન્યુઆરી સુધી જેલમાં રાખવાનો આદેશ અપાયો હતો. નોર્થ ડેકોટાના અખબારી અહેવાલો મુજબ શાન્ડને વર્ચ્યુઅલી હાજર કરાયો હતો અને તેને કેસનો ચૂકાદો ન આવે ત્યાં સુધી શરતોને આધીન મુક્ત કરવામાં આવ્યો હતો.
કોર્ટમાં ૩૦ મિનિટની સુનાવણી દરમિયાન શાન્ડે કોઈ ટિપ્પણી કરી નહોતી. તે માત્ર યસ મેમ, યસ યોર ઓનર બોલતો રહ્યો હતો. આ દરમિયાન મેજિસ્ટ્રેટે તેની જામીન અંગે શરતો નક્કી કરી હતી. અહેવાલમાં જણાવ્યા મુજબ આરોપીને જ્યારે પણ સુનાવણી થાય ત્યારે કોર્ટમાં હાજર થવું પડશે તેવી શરતોના આધારે કથિત હાજરી બોન્ડના આધારે છોડી મૂકાયો છે. તેની મુક્તિની શરતોમાં જણાવાયું છે કે, શાન્ડે તેનો પાસપોર્ટ અથવા કોઈ પ્રવાસ ડોક્યુમેન્ટસ અથવા વિઝા અધિકારીઓ પાસે જમા કરાવવાનો રહેશે. વધુમાં માનવ તસ્કરીના કેસના સાક્ષી અથવા પીડિતનો પણ તેણે સંપર્ક કરવો નહીં તેવી પણ શરત મૂકવામાં આવી છે.