ન્યૂઝીલેન્ડની સરકાર આવતા વર્ષથી એક ખૂબ જ મહત્ત્વનો અને ઐતિહાસિક નિયમ બનાવવા જઇ રહી છે. દેશના આરોગ્ય વિભાગે જાહેરાત કરી હતી કે વર્ષ 2022થી ન્યૂઝીલેન્ડમાં ધૂમ્રપાન (સ્મોકિંગ) ઉપર પ્રતિબંધ મૂકાશે. આ માટે આવતા વર્ષે સંસદમાં ખાસ બિલ પસાર કરીને કાયદો બનાવવામાં આવશે. યુવાનો તમાકુના વ્યસનથી દૂર રહે તે માટે આજીવન પ્રતિબંધની જોગવાઈ થશે. આ ઉપરાંત તમાકુમાં નિકોટીનનું પ્રમાણ ઘટાડાશે. નવી પેઢીના 14 વર્ષ સુધીના બાળકો તમાકુની કોઈ જ ઉત્પાદન ન ખરીદે તેનું ખાસ ધ્યાન રાખીને આજીવન પ્રતિબંધ લાગુ કરાશે.
દેશનાં આરોગ્ય પ્રધાન ડો. આયેશા વેરાલે જણાવ્યું હતું કે, અમે એવું આયોજન કરી રહ્યા છીએ કે યુવાપેઢી સ્મોકિંગથી દૂર રહે. તે માટે આજીવન પ્રતિબંધની જોગવાઈ થશે. 2027 સુધીમાં સ્મોકિંગ ન કરતી હોય એવી પેઢી ઊભી થાય તેવા પ્રયત્ન કરાશે. વર્ષ 2025 સુધીમાં સિગારેટ તેમ જ તમાકુની પ્રોડક્ટમાંથી નિકોટિનનું પ્રમાણ ઘટાડવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્પાદકો ઉપર અંકુશ લાવવામાં આવશે. અત્યારે જે રીતે અભિયાન ચલાવવામાં આવું રહ્યું છે તેના પરથી સ્મોકિંગ ઘટવાનું પ્રમાણ પાંચ ટકાથી ઓછું કરવામાં દાયકાઓનો ખૂબ જ લાંબો સમય થશે. હવે ઝડપથી પગલાં ભરવા પડશે. એક સર્વે મુજબ અત્યારે ન્યૂઝીલેન્ડમાં 15 વર્ષની વયના 11.6 ટકા યુવાનો સ્મોકિંગ કરે છે. 20 વર્ષ સુધીના યુવાનોની ગણતરી કરવામાં આવે તો આંકડો 29 ટકા થઈ જાય છે.