(Photo by Dan Kitwood/Getty Images)

પ્રધાન મંત્રી બોરિસ જૉન્સનની વંચિત સમુદાયોને આગળ લાવવાની યોજના અંતર્ગત વંચિત બાળકોને મદદ કરવાની જવાબદારી ધરાવતી સરકારી સંસ્થા સોશિયલ મોબિલિટી કમિશનનું નેતૃત્વ કરવા માટે બ્રિટનના કડક હેડ ટીચર તરીકે વિખ્યાત થયેલા નોર્થ વેસ્ટ લંડનના વેમ્બલીની મીકેલા કોમ્યુનિટી સ્કૂલના હેડ ટીચર કેથરિન બીરબલસિંહને પસંદ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

સોશિયલ મોબિલિટી કમિશનના વડા તરીકે જે છ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવાયા છે તેમાં બીરબલસિંહ

પણ એક છે. જો કે આ અંગે નિર્ણય લેવાનો બાકી છે. મીડિયા રિપોર્ટ મુજબ જૉન્સનના ડાઉનિંગ સ્ટ્રીટ પોલીસી એઇડ મુનીરા મિર્ઝા અને તેમના પતિ ડગ્લાસ સ્મિથ, બીરબલસિંહની પસંદગીમાં મદદ કરતા હોવાનું માનવામાં આવે છે.

કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં 2010માં બ્રિટનની “તૂટેલી” શિક્ષણ પ્રણાલી અંગે આપેલા પ્રવચનને પગલે તેમને સ્ટેન્ડિંગ ઓવેશન મળતાં તેઓ સમાચારની સુરખીઓમાં આવ્યા હતા. તે સમયના એજ્યુકેશન સેક્રેટરી માઈકલ ગોવે કરેલા વિવાદાસ્પદ સુધારાઓ દરમિયાન, બીરબલસિંહે સાઉથ લંડનના કેમ્બરવેલની એકેડમીના ડેપ્યુટી હેડ તરીકેની નોકરી ગુમાવી હતી. પરંતુ સપ્ટેમ્બર 2014માં, તેઓ વેમ્બલી સ્ટેડિયમ નજીકના રૂપાંતરિત ઓફિસ બ્લોકમાં સ્થપાયેલી મિકેલા ફ્રી સ્કૂલના સ્થાપક અને હેડ ટીચર બન્યા હતા.

‘કોઈ બહાનું નહિં ચાલે’ એવી બીહેવીયર પોલીસી લાગુ કરવા બદલ ‘ટ્રાઇગ્રેસ હેડ ટીચર’ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થીઓને પેન્સિલ અથવા પેન લાવવાનું ભૂલી જવા કે લેસન દરમિયાન શાળાના કોરિડોરમાં વાત કરવા બદલ ડીમેરીટ્સ અપાતો હતો. ઓફસ્ટેડ ઇન્સપેક્ટર્સ દ્વારા મીકેલા સ્કૂલને  તમામ ક્ષેત્રોમાં “ઉત્કૃષ્ટ” જાહેર કરવામાં આવી છે. 2019માં શાળાએ GCSE પરિણામનો પ્રથમ સેટ મેળવ્યો હતો જેમાં 54 ટકા વિદ્યાર્થીઓએ લેવલ 7 મેળવ્યા હતા જે યુકેના સરેરાશ પરિણામ કરતાં 22 ટકા વધારે છે.