(Photo by Andrew H. Walker/Getty Images for DIFF)

મુંબઇ હાઇકોર્ટે ગેરકાયદે બાંધકામ મુદ્દે સોનુ સૂદને રાહત આપી નથી. કોર્ટે આદેશ કર્યો છે કે, ગેરકાયદે બાંધકામ સામે બીએમસી યોગ્ય કાર્યવાહી કરે.

બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને સોનુ સૂદ પર આક્ષેપ કર્યો હતો કે સોનુએ નાણા મેળવવા જરૂરી મંજૂરી વગર ઘરમાં હોટેલ બનાવી હતી. જોકે, સોનુએ દાવો કર્યો હતો કે, તેણે કોર્પોરેશનની મંજૂરી લીધી હતી અને ફક્ત કોસ્ટલ ડિપાર્ટમેન્ટની મંજૂરીની રાહ હતી.

ન્યાયમૂર્તિ પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું હતું કે, બોલ હવે બીએમસીની કોર્ટમાં છે. સોનુના વકીલ અમોઘ સિંઘે બીજી કોર્ટના બીએમસીને મળેલા આદેશ સામે દસ સપ્તાહનો મનાઇ હુકમની માગણી કરી હતી. જસ્ટિસ ચૌહાણે કહ્યું કે તમે મોડા પડ્યા છો. તમારી પાસે પૂરતો સમય હતો ત્યારે તમે શાંતિથી બેઠા હતા. જે તાત્કાલિક પગલાં લે છે તેને કાયદો મદદ કરે છે. સોનુ સૂદની છ માળની બિલ્ડિંગ ‘શક્તિ સાગર’ બીએમસી દ્વારા લેવાયેલા ડિમોલીશન નિર્ણય સામે ઊભી હતી. પોતાને રાહત મળશે એવી આશા સાથે સોનુએ મુંબઇ હાઇકોર્ટમાં અરજી કરી હતી. અગાઉ સિવિલ કોર્ટે તેમની અરજી ફગાવતા સોનુએ મુંબઇ હાઇકોર્ટમાં કાર્યવાહીને પડકારી હતી. સોનુના વકીલની દલીલ હતી કે કયા માળ પર ગેરકાયદે બાંધકામ તેની કોઇ સ્પષ્ટતા કોર્પોરેશને કરી નથી. આ બિલ્ડિંગ અહીં 1992થી ઊભી હતી. કોર્પોરેશન આખું બિલ્ડિંગ પાડી ન શકે, જ્યાં ગેરકાયદે બાંધકામ લાગે ત્યાં તેને તોડી શકે છે.