પ્રતિક તસવીર

વેસ્ટ લંડનના સાઉથૉલમાં કિંગ સ્ટ્રીટ પર આવેલી એક ફોનની દુકાન અને બાર્બર શોપ ધરાવતા બિલ્ડીંગમાં તા. 21ને બુધવારે સવારે 6-20 કલાકે શંકાસ્પદ ગેસ વિસ્ફોટના કારણે લાગેલી આગમાં બે વ્યક્તિઓના મરણ થયા હતા. જ્યારે ચાર લોકો અને એક બાળકને બચાવી લેવામાં આવ્યા હતા. વિસ્ફોટના કારણે બે દુકાનો અને એપાર્ટમેન્ટ નાશ પામ્યા હતા. બચાવ કામગીરી અને તકેદારી માટે શેરીને કોર્ડન કરી દેવામાં આવી હતી.

39 વર્ષિય સુખદેવસિંહે વિચાર્યું હતું કે તે અને તેની પત્ની જસબીર (ઉ.વ. 30) અને તેમની પાંચ મહિનાની પુત્રી મનસીરત ધડાકા પછી લાગેલી આગ, કાટમાળ અને ધૂળના ગોટાઓના કારણે મૃત્યુ પામશે. પરંતુ લંડન ફાયર બ્રિગેડના હીરો ફાયર ફાઇટરે તે બાળકીનો જીવ બચાવ્યો હતો.

સુખદેવસિંહે ઇવનિંગ સ્ટાન્ડર્ડને જણાવ્યું હતું કે ‘’તે એક ચમત્કાર જ હતો કે તેનો પરિવાર બ્લાસ્ટથી બચી ગયો હતો. દરેક જગ્યાએ ધૂળ હતી. મારી ચિંતા મારી પુત્રીને બહાર કાઢવાની હતી. અમે ડરી ગયા હતા. પરંતુ તેવામાં જ એક ફાયરમેન મારી પુત્રીને લઈ આવ્યો હતો. તે ખરેખર સાચો હીરો હતો, તેણે મારી પુત્રીનું જીવન બચાવ્યું હતું. અમે ફાયર સર્વિસ અને સ્થાનિક ગુરૂદ્વારાનો મદદ કરવા બદલ આભાર માનીએ છીએ.”

સવારે સાત વાગ્યાથી જ બચાવ કામગીરી માટે દોડી આવેલા સાઉથોલ સિંઘ સભા ગુરુદ્વારાના હરમિતસિંહે કહ્યું હતું કે વિસ્ફોટ એક માઇલ દૂર સંભળાયો હતો.

આ વિસ્ફોટમાં મોબાઇલ ફોનની દુકાન અને હેર સલૂનનો નાશ થયો હતો. લોકોએ એક વ્યક્તિને પ્રથમ માળની બારીમાંથી કૂદી પડતો જોયો હતો, અને બીજી એક વ્યક્તિ ફોન રિપેર શોપના ઉપરના ફ્લેટમાં કાટમાળ પડતા ઘવાયો હોવાના અહેવાલ છે.

વિસ્ફોટને પગલે સાઉથૉલ, હેઝ, હેસ્ટન, ઇલિંગ અને ફેલ્ધામ ફાયર સ્ટેશનના 40 જેટલા ફાયરફાઇટર્સ ઘટના સ્થળે દોડી ગયા હતા. લંડન ફાયર બ્રિગેડે જણાવ્યું કે બે મૃતદેહો ફોન શોપની ઉપરના ફ્લેટમાંથી મળી આવ્યા હતા અને તેમની ઔપચારિક ઓળખ થઈ નથી. તેમણે દુકાન અને ઉપરના માળે આવેલા ફ્લેટ્સમાં ફસાયેલા લોકોને શોધવા માટે સર્ચ ડોગ્સ સહિત નિષ્ણાંત સાધનોનો ઉપયોગ કર્યો હતો.

સ્ટેશન કમાન્ડર પોલ મોર્ગને કહ્યું હતું કે ‘’ફાયરબિગેડ ક્રુએ બાળક અને ચાર પુખ્ત વયના લોકોને ફ્લેટમાંથી સીડી દ્વારા બચાવ્યા હતા, જ્યારે આસપાસ રહેતા બીજા 14 લોકો અને બે બાળકો જાતે જ સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા. હજૂ પડોશમાં રહેતા 50 લોકો પોતાના ઘરે પાછા ફરવા અસમર્થ છે.

 

પડોશીઓએ જણાવ્યું હતું કે ‘’તેમના ઘરો બોમ્બ વિસ્ફોટ જેવા અવાજથી ધ્રુજી ઉઠયા હતા અને જાગી ગયા હતા.’’

મેટ્રોપોલિટન પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે, “પ્રાથમિક તબક્કે ગેસ લિકેજના કારણે વિસ્ફોટ થયો હોવાની શંકા છે, પરંતુ આ સમયે ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.”

ડૉક્ટર ફોન રીપેર શોપના માલિક જતિન્દર સિંહે જણાવ્યું હતું કે ‘’મારો બિઝનેસ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. હું દુકાન પર જઇ શકતો નથી. મેં બધું ગુમાવ્યું છે. મારો આવકનો સ્રોત પહેલાથી જ ચાલ્યો ગયો છે અને અમે પહેલાથી  જ કોરોનાવાયરસના કારણે સંઘર્ષ કરી રહ્યા છીએ.”

સ્થાનિક સત્તાવાળાઓ શેરીમાંથી ખાલી કરાયેલા રહેવાસીઓને અસ્થાયી રહેવાની સગવડ પૂરી પાડી છે. બીબીસીના એક અહેવાલ મુજબ, ઇલિંગ કાઉન્સિલે આ વિસ્તારના કેટલાક ઘરો અને બિઝનેસીસનો વીજળી અને ગેસનો પુરવઠો બંધ કરી દીધો હતો અને ચેતવણી આપી હતી કે વધુ મિલકતોને ખાલી કરાવવાની જરૂર પડી શકે છે.