જૂનાગઢમાં ગિરનાર પર્વત પર એશિયાના સૌથી લાંબા ટેમ્પલ રોપ-વે સહિત રાજ્યના મોટા પ્રકલ્પોનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. જૂનાગઢના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત અન્ય પ્રધાનો હાજર રહ્યા હતા. આ સાથે કિસાન સૂર્યોદય યોજનાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. ગિરનાર પર્વત પર ઉષા બ્રેકો કંપની દ્વારા રૂ. 130 કરોડના ખર્ચે રોપ-વે પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્રોજેક્ટની વિશેષતા
હેલિકોપ્ટર દ્વારા આ રોપ-વે નિર્માણનો ભારતનો આ પ્રથમ પ્રોજેક્ટ છે, જેમાં રોપવેનો કોચ પ્રતિ સેકન્ડે 6 મીટરની ઝડપથી પસાર થશે. આ રોપ-વેમાં રોપ જર્મનીથી મગાવવામાં આવ્યા છે અને તેમાં પ્રતિ કલાક 800 લોકો મુસાફરી કરી શકે છે. ભવનાથ તળેટીથી પર્વત પર અંબાજીની ટૂંક સુધી 2.3 કિલોમીટરના રૂટમાં 9 ટાવર લગાવવામાં આવ્યા છે. 1 ટાવરની લંબાઈ 66 ફૂટ રાખવામાં આવી છે. જેમાં 6 નંબરનો ટાવર સૌથી ઊંચો (અંદાજે 67 મીટર) છે, જે ગિરનારના છેલ્લા પગથિયાની નજીક છે. દરેક ટાવર વચ્ચે ઊંચાઇ 7-8 માળ જેટલી રાખવામાં આવી છે.
અત્યારે રોપવે પર 24 ટ્રોલી કાર્યરત છે, પછી જરૂરિયાત મુજબ ટ્રોલીની સંખ્યામાં વધારો કરી શકાશે. એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકશે. એક રાઉન્ડમાં 192 દર્શનાર્થી જઇ શકશે. દરેક ટ્રોલીની સ્પીડ પ્રતિ સેકન્ડ 5 મિનિટ રહેશે. બે ટ્રોલી વચ્ચેનું અંતર 216 મી. (36 સેકન્ડ) હશે. 1 કલાકમાં 800 દર્શનાર્થી તળેટીથી મંદિર સુધી જઇ શકશે.
ગિરનાર પર્વતની ઊંચાઇ 3,500 ફૂટ છે. સર્વોચ્ચ શિખર 3,666 ફૂટ ઊંચું છે. ત્યાં પવનની ગતિ 180 કિ.મી. પ્રતિ કલાક રહેતી હોવાથી રોપ-વેની ડિઝાઇન એરોડાયનેમિક બનાવાઇ છે.
રોપ-વેમાં મુસાફરી માટે ટૂ-વે ટિકિટ 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રૂ. 700, બાળકો માટે રૂ. 350 નક્કી કરવામાં આવી છે. જ્યારે વન-વે ટિકિટના રૂ. 400 રહેશે. રોપ-વેથી વાર્ષિક રૂ. 400 કરોડની આવકનો અંદાજ છે.
અન્ય પ્રોજેક્ટ્સ
આ ઉપરાંત અમદાવાદમાં ભારતની સૌથી મોટી હૃદયરોગ હોસ્પિટલ-યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે ગુજરાત સરકાર દ્વારા રૂ. 470 કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ વધારવામાં આવી છે. તેમાં અત્યારની બેડની સંખ્યા વધારીને 1251 કરવામાં આવી છે. વધુમાં ખેડુતોની સુવિધા માટે તેમને કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજળી મળશે, જેથી ખેડૂતોને રાત્રે ઉજાગરા નહીં કરવા પડે. આ યોજના રૂ. 3500 કરોડના ખર્ચે અમલમાંમુકાવામાં આવી છે.