Getty Images)

ભારતની બજેટ એરલાઇન સ્પાઇસજેટ હવે અમેરિકાની ફ્લાઇટ ટુંક સમયમાં શરૂ કરશે. ગુરુવારે સ્પાઇસજેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારત-અમેરિકા રૂટ્સ માટે શિડ્યુલ એરલાઇન તરીકે તેને માન્યતા મળી છે. આ નોમિનેશન મેળવનારી સ્પાઇસજેટ ભારતની પ્રથમ બજેટ એરલાઇન છે. આ નોમિનેશન પછી આંતરરાષ્ટ્રીય સંચાલન ફરી શરૂ કરવા ખાનગી એરલાઇન્સ વચ્ચે તેને વહેલી શરૂઆતનો ફાયદો થઇ શકે તેમ છે.

જો કે, કંપનીએ જણાવ્યું નથી કે તેઓ ક્યારથી ફ્લાઇટ શરૂ કરશે. આ રુટ પર સ્પાઇસજેટ બંને દેશો વચ્ચે એર સર્વિસીઝ એગ્રીમેન્ટ મુજબ કામ કરશે. અત્યારે ફક્ત એર ઇન્ડિયા દ્વારા જ આ રુટ પર ફ્લાઇટનું સંચાલન કરવામાં આવે છે. આ ખાસ વ્યવસ્થા હાલમાં કોરોનાવાઈરસના રોગચાળાના સંજોગોમાં બન્ને દેશો વચ્ચેની દ્વિપક્ષી સમજુતી અનુસારની છે.

કોવિડ-19 મહામારીના કારણે મુસાફરી પર પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ કોમર્શિયલ એર પેસેન્જર સર્વિસ 22 માર્ચથી રદ કરાઈ છે. આ સંજોગોમાં ભારત-અમેરિકા વચ્ચે વંદે ભારત મિશન હેઠળ ભારતીય નાગરિકોને વતન પરત લઇ જવા માટે એકમાત્ર એર ઇન્ડિયા સ્થાનિક એરલાઇન હતી.

સ્પાઇસ જેટના ચેરમેન અને મેનિજિંગ ડાયરેક્ટર અજય સિંહે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે ફ્લાઇટના સંચાલન માટે ઇન્ડિયન શિડ્યુલ્ડ એરલાઇનનો દરજ્જો મળતા કંપની પોતાની આતંરરાષ્ટ્રીય વિસ્તરણની યોજના વધુ સારી રીતે બનાવી શકશે.

હું હંમેશા એવું માનું છું કે દરેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં એક અવસર હોય છે, અને વર્તમાન સંકટમાં સ્પાઇસજેટે ઊભરી આવીને એક મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. આ જાહેરાત પછી સ્પાઇસજેટના શેરમાં 5. 16 ટકાનો ઉછાળો નોંધાયો હતો.