Represents image Getty Images)

ફ્રાંસના લીયોન શહેરમાં ઇન્ટરપોલે જણાવ્યું હતું કે, પોલીસે વિવિધ દેશોમાંથી કોવિડ-19ની 17 હજાર નકલી ટેસ્ટિંગ કિટ્સનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે ગેરકાયદે ફૂડ પ્રોડક્ટસ શોધવા માટે દરોડા પાડતા આ નકલી કિટ્સનો જથ્થો જપ્ત કર્યો છે. અધિકારીઓએ ડિસેમ્બર 2019થી જુન 2020 સુધીમાં 77 દેશોમાંથી 40 મિલિયન ડોલરની કિંમતના નકલી અથવા હલકી ગુણવત્તાના ઉત્પાદનો જપ્ત કર્યા છે અને 407 લોકોની ધરપકડ કરી છે.

આ ઉત્પાદનોમાં ડેરી પ્રોડક્ટસ, ગેરકાયદે કતલ કરાયેલા પ્રાણીઓના માંસ અને દવા તરીકે ખોટા લેબલ ધરાવતી ફૂડ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે, તેમ દક્ષિણપૂર્વીય ફ્રાંસના શહેર લીયોનમાં આવેલી ઇન્ટરપોલની ઓફિસે જણાવ્યું હતું. આ ઉપરાંત પોલીસે નકલી મેડિકલ પ્રોડક્ટસનો પણ જથ્થો હજ્જારોની સંખ્યામાં પકડ્યો છે. કોરોનાવાઇરસના રોગચાળા દરમિયાન લોકડાઉનમાં જુદા જુદા દેશોએ પુરવઠો સુરક્ષિત કરવા ધસારો કર્યો હતો.

એજન્સીના સેક્રેટરી જનરલ જર્ગન સ્ટોકે જણાવ્યું હતું કે, વિશ્વના વિવિધ દેશો કોવિડ-19 મહામારીથી બચવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આ ક્રિમિનલ નેટવર્કસ નફો મેળવવા સંભવિત જોખમી ઉત્પાદનોનું વિતરણ કરી રહ્યા છે. ઇન્ટરપોલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, અન્ય ગેરકાયદે ઉત્પાદનોમાં અંદાજે 3.1 મિલિયન ડોલરની કિંમતના કોસ્મેટિક્સ, ફૂટવેર, કપડા, હેન્ડબેગ, કારના પાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, તમાકુ અને દવાઓનો સમાવેશ થાય છે.