પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CBSEની ધોરણ-12ની પરીક્ષાને રદ કરવાનો નિર્ણય કર્યાના એક દિવસ બાદ બુધવારે . ગુજરાત સરકારે પણ GSEBની ધોરણ-12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.

આ અંગેની જાહેરાત કરતાં રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, કોરોના મહામારીની સ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને CBSEની ધોરણ-12ની પરીક્ષાઓ આ વર્ષે નહીં યોજવાની જાહેરાત કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં આ સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકારે વડાપ્રધાનના આ નિર્ણયના સમર્થનમાં ગુજરાતમાં પણ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-12ની આ વર્ષે યોજાનારી પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે.

કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મંગળવારે CBSEની પરીક્ષાને રદ કરી હતી. પરંતુ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ મંગળવારે જ 1 જુલાઈથી ધોરણ-12 અને ધોરણ-10ના રીપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારના નિર્ણયને પગલે રાજ્ય સરકારે તેનો નિર્ણય બદલવો પડ્યો હતો.