શુક્રવાર તા. 18ના રોજ આવેલા યુનિસ ચક્રાવાતના કારણે યુકેમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત નિપજ્યા હતા અને £360 મિલિયનના નકશાનનો અંદાજ રાખવામાં આવે છે. હાલ પણ હજારો લોકો વીજળી વગરના છે અને લાખો લોકોની મુસાફરી સેવાઓ ખોરવાઈ ગઈ હતી. યુકેમાં રેકોર્ડરૂપ સૌ પ્રથમ વખત યુનિસ વાવાઝોડાની ઝડપ 122 માઈલ પ્રતિ કલાક  નોંધાઇ હતી.

તા. 16ના બુધવારના રોજ સ્કોટલેન્ડ, નોર્ધર્ન ઈંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડના કેટલાક ભાગોમાં ડડલી વાવાઝોડુ ત્રાટક્યું હતું. એના પછી યુનિસ યુકે માટે એક સપ્તાહમાં બીજું ભયાનક તોફાન બન્યું હતું. અને તે પછી સ્ટોર્મ ફ્રેન્કલીન ત્રાટક્યું હતું.

વાવાઝોડાના કારણે યુકેમાં 1.1 મિલિયન મિલકતો પાવર કટનો ભોગ બની હતી. જેમાંની 435,000 મિલકત સોમવાર સુધી અસરગ્રસ્ત હતી. 20 મિલિયન લોકોને ઘરે રહેવા કહેવાયું હતું અને 10 જેટલી ગંભીર પૂરની ચેતવણીઓ પવામાં આવી હતી. વાવાઝોડાના કારણે 10,000 રેલ સેવાઓ રદ કરાઇ હતી. તો સ્વૉન્સીમાં 36,000 વિદ્યાર્થીઓને શાળાઓમાંથી ઘરે મોકલવામાં આવ્યા હતા.

યુનિસના આક્રમણથી બચવા લાખો લોકોને ઘરે રહેવા વિનંતી કરવામાં આવી હતી. મેટ ઑફિસે ઇંગ્લેન્ડના મોટાભાગના વિસ્તારો, સાઉથ વેલ્સ અને લંડન સહિત દેશના ભાગોમાં રેડ વોર્નીંગ એટલે કે “જીવન માટે જોખમ” હોવાની ચેતવણી જારી કરી હતી.

સ્ટોર્મ યુનિસ ક્લિન-અપ ચાલુ હોવાથી વધુ ગેલ-ફોર્સ 70 માઇલ પ્રતિ કલાક સુધીના જોરદાર પવનની આગાહી કરાઇ હતી. મેટ ઓફિસે રવિવાર અને સોમવારે મોટાભાગના યુકેને આવરી લેતા પવન માટે યલો વોર્નીંગ જાહેર કરી હતી.

નેશનલ રેલે જણાવ્યું હતું કે યુનિસના કારણે ગ્રેટ બ્રિટનના મોટાભાગના માર્ગો શનિવારે સવારે અસરગ્રસ્ત રહ્યા હતા અને આખા દિવસ દરમિયાન વિક્ષેપ ચાલુ રહ્યો હતો.

એસોસિયેશન ઓફ બ્રિટિશ ઇન્સ્યોરર્સ (ABI) એ ચેતવણી આપી હતી કે વાવાઝોડાને કારણે લગભગ £360 મિલિયનનું નુકશાન થયું હતું.

ઇંગ્લેન્ડના કેટલાક ભાગોમાં આ સપ્તાહના અંતે 8 ઇંચ જેટલી  હિમવર્ષા થવાની સંભાવના છે. આગાહીકારોએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં યુકેને 70 માઇલની ઝડપે ઉગ્ર પવન ફૂંકશે. યોર્કશાયર અને લેન્કેશાયર ભારે બરફ અને ઝરમર વરસાદથી છવાઈ ગયા હતા. નોર્થ ઇંગ્લેન્ડમાં શનિવારે બપોરે બરફવર્ષા જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. બ્લેકપૂલમાં, યોર્કમાં લગભગ બે કલાક સુધી ભારે હિમવર્ષા થઇ હતી.

તોફાન યુનિસના પરિણામે કોર્નવોલમાં 13,000થી વધુ મિલકતો પાવર વિનાની થઇ ગઇ હતી. વેસ્ટર્ન પાવર ડિસ્ટ્રિબ્યુશન સોમવારે મધ્યરાત્રિ સુધીમાં અસરગ્રસ્ત ઘરોમાં વીજળી પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યું છે.

કોર્નવોલ કાઉન્સિલ કોર્નવોલ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ અને વેસ્ટર્ન પાવર ડિસ્ટ્રિબ્યુશન સાથે મળીને અસરગ્રસ્ત રહેવાસીઓ માટે ગરમ પીણાં, માઇક્રોવેવ્સનો ઉપયોગ કરવા, ફ્લાસ્ક અને ગરમ પાણીની બોટલો ભરવા અને મોબાઇલ ફોન ચાર્જ કરવા માટે છ ફાયર સ્ટેશન પર વ્યવસ્થા કરી હતી.

શનિવારે એક અપડેટમાં, એનર્જી નેટવર્ક્સ એસોસિએશને જણાવ્યું હતું કે સાઉથ વેલ્સ અને પૂર્વમાં લગભગ 195,000 ગ્રાહકો પાવર વગર રહ્યા હતા. જ્યારે લગભગ 1.2 મિલિયન લોકોનો વિજ પૂરવઠો ફરીથી શરૂ કરાયો હતો.

યુનિસ વાવાઝોડાના કારણે સમગ્ર બ્રિટનમાં પવન ઊર્જાના કારણે 42 ટકા વીજળી ઉત્પન્ન થઇ હતી જે વાવાઝોડાથી એક મોટો ફાયદો થયો હતો. નોંધાયેલા નેશનલ ગ્રીડના આંકડા મુજબ ગ્રેટ બ્રિટનમાં અત્યાર સુધી ઉત્પન્ન થયેલી સૌથી મોટો વીજળીનો સ્ત્રોત છે.

યુનિસના કારણે મકાનોની છતોને નુકશાન થયું હતું તો વૃક્ષો પડવાના કારણે કારો કચડાઇ ગઇ હતી. કોર્નવોલ અને પડોશી ડેવોનની પોલીસે જણાવ્યું હતું કે ઉડતા કાટમાળ, તૂટી પડેલી છત અને પડી ગયેલા વૃક્ષો અંગેના બહુ બધા કોલ મળ્યા હતા. સમરસેટમાં એક ચર્ચનું શિખર ભારે પવનમાં તૂટી પડ્યું હતું.

સ્ટોર્મ ફ્રેન્કલીન દ્વારા ડેવોન અને કોર્નવોલમાં વૃક્ષો પડવાના કારણે રસ્તાઓ બંધ થવાના, પાવર કટના અને પ્રાણીઓના પાંજરા નાશ પામવાના બનાવો બન્યા હતા.

ફ્રેન્કલિનના કારણે 74 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ડેવોન કાઉન્ટી કાઉન્સિલે જણાવ્યું હતું કે તેમની પાસે શુક્રવારથી સોમવારે બપોર સુધીમાં 1,300 કૉલ્સ આવ્યા હતા. સોમવારે સવારે પાવર કટથી સ્વિમિંગ પૂલ અને સ્પોર્ટ્સ સેન્ટર ધરાવતું પ્લેમથ લાઇફ સેન્ટર બંધ થઈ ગયું હતું.

ડેવોનમાં હાઇવે મેનેજમેન્ટે તોફાનનો કાટમાળ સાફ કરવામાં મદદ કરવા માટે વધારાના કર્મચારીઓને બોલાવ્યા હતા.

ફ્રેન્કલિન વાવાઝોડાને કારણે વધુ પાવર ફેઇલ્યોર થયાના બનાવો બન્યા છે. બંને કાઉન્ટીઓમાં માત્ર 7,000 થી ઓછા ઘરો હજુ પણ વીજળી વગરના છે. વેસ્ટર્ન પાવર ડિસ્ટ્રિબ્યુશને જણાવ્યું હતું કે સ્ટાફ પાવર પાછો મેળવવા માટે નોન-સ્ટોપ કામ કરી રહ્યો છે. આ પહેલા ક્યારેય આ સ્કેલ પર નુકસાન થયું જોવાયું નથી.

ડેવોન અને સમરસેટ ફાયર સર્વિસે લોકોને ચેતવણી આપી હતી કે પોર્ટેબલ ગેસ કૂકર અને બરબેક્યુનો ઉપયોગ કરીને કાર્બન મોનોક્સાઇડ ઝેરનું જોખમ ન લે.

000000

  • વેડબ્રિજમાં ટાઉન હોલ રહેવાસીઓને ટેકો આપવા માટે ખોલવામાં આવ્યો હતો.
  • યુનિસને પગલે સમગ્ર સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં 10,000થી વધુ મિલકતો પાવર વગર રહી હતી.
  • મેડવે નદીએ તેના કાંઠા તોડી નાંખતા રોચેસ્ટર એસ્પ્લેનેડ સહિત પ્રદેશના કેટલાક ભાગો પૂરથી ભરાઈ ગયા હતા.
  • કેન્ટમાં લગભગ 4,500 પ્રોપર્ટી જોરદાર પવન પછી વીજળી વગરની થઇ હતી.
  • ઇસ્ટ અને વેસ્ટ સસેક્સમાં 4,400 ઘરો અને સરેમાં અંદાજિત 1,000 ઘરો વીજળી વિનાના થયા હતા.
  • યુકે પાવર નેટવર્ક્સે પાવર વિનાના 97 ટકા ઘરો અને બિઝનેસીસમાં પાવર પુનઃસ્થાપિત કર્યો હતો.
  • નેટવર્ક રેલના ક્રૂ સ્ટાફે આખી રાત રેલ્વે લાઇન પરથી વૃક્ષો અને કાટમાળ સાફ કર્યો હતો.
  • સાઉથઈસ્ટર્નએ જણાવ્યું હતું કે એશફોર્ડ, ટનબ્રિજ વેલ્સ, હેસ્ટિંગ્સ, ડોવર, રેમ્સગેટ અથવા ફાવરશામ અને લંડન કેનન સ્ટ્રીટ વચ્ચે કોઈ ટ્રેન નહીં હોય.
  • થેમ્સ વોટરએ જણાવ્યું હતું કે GU5, GU6, RH5 અને RH12 પોસ્ટકોડમાં કેટલીક મિલકતોમાં પાણીની ખોટ જોવા મળી હતી.
  • યુનિસથી વેલ્શની કેટલીક નદીઓ રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. ફાયર સર્વિસે લોકોને ઘરોમાંથી અને 50 લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા.
  • મિડ એન્ડ વેસ્ટ વેલ્સ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસને વીકએન્ડમાં 24 કલાકમાં પૂર સંબંધિત 100 કોલ મેળવ્યા હતા.
  • લિટલ હેવન, પેમ્બ્રોકશાયરમાં, ભારે પવને ગ્રીનક્રેસ એનિમલ રેસ્ક્યુ અને કાર્યાલયની છત ઉડાવી દીધી હતી.
  • પોર્ટ ટેલ્બોટ કાઉન્સિલે જણાવ્યું હતું કે તેને ઘણા રસ્તાઓ પર પડતા વૃક્ષો અંગે 105 કોલ મળ્યા હતા, જેમાં હાઇ સ્ટ્રીટ, એબર્ગવિન્ફી પરના ઘણા વૃક્ષો પણ સામેલ છે.
  • પોર્ટ ટેલ્બોટમાં વોટર સ્ટ્રીટ અને ઈગલ સ્ટ્રીટમાં માળખાકીય નુકસાનને કારણે અન્ય માર્ગો પર પ્રવેશને અસર થઈ હતી.