The Queen's death will fuel demands for Scottish independence
બ્રિટનના રાણી એલિઝાબેથ-ટુની ફાઇલ તસવીર (Photo by Ben Stansall - WPA Pool/Getty Images)

સિંહાસન પર આરૂઢ થયાના 70 વર્ષ પૂરા કરનાર 95 વર્ષીય મહારાણી એલિઝાબેથ બીજાએ રવિવાર તા. 20 ફેબ્રુઆરીના રોજ કોવિડ-19 માટે પોઝીટીવ ટેસ્ટીંગ કર્યું હતું. પરંતુ તેમના લક્ષણો “હળવા” જણાઇ રહ્યા છે અને તેઓ વિન્ડસર કાસલમાં હળવી ફરજો સાથે તેમની રાબેતા મુજબની કામગીરી ચાલુ રાખવાનો ઇરાદો ધરાવે છે.

પ્રિન્સ ચાર્લ્સ વિન્ડસર ખાતે તેમની માતાને મળ્યાના બે દિવસ પછી તા. 10 ફેબ્રુઆરીના રોજ કોવિડ-19 પોઝીટીવ જાહેર થયા હતા.

મહારાણીએ ગયા અઠવાડિયે કિલ્લામાં પ્રેક્ષકોને રૂબરૂ દર્શન આપ્યા હતા. પરંતુ તેમને જોનારા એક વ્યક્તિએ મહારાણી જકડાયેલા સ્નાયુના દુખાવાથી પીડાતા હોવાની ફરિયાદ કરી તેમણે વૉકિંગ સ્ટીક પકડી હોવાનું જણાવ્યું હતું.

બકિંગહામ પેલેસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “મહારાણી હળવા શરદી જેવા લક્ષણોનો અનુભવ કરી રહ્યા છે. પરંતુ આગામી સપ્તાહમાં વિન્ડસર કાસલ ખાતે લાઇટ ડ્યુટી ચાલુ રાખે તેવી અપેક્ષા છે. તેઓ તબીબી સહાય મેળવવાનું ચાલુ રાખશે અને તમામ યોગ્ય દિશાનિર્દેશોનું પાલન કરશે. તેમને કોવિડ-19 સામે સંપૂર્ણ રસી આપવામાં આવી છે.’’

પ્રેસ એસોસિએશને કહ્યું હતું કે “એમ મનાય છે કે વિન્ડસર કાસલની ટીમમાં પણ ઘણા કેસોનું નિદાન થયું છે”.

વડા પ્રધાન બોરિસ જૉન્સન તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી. પરંતુ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે ટ્વિટ કરી મહારાણીને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. લેબર નેતા સર કેર સ્ટાર્મરે પણ ટ્વિટ કરી “જલદી સ્વસ્થ થાઓ, મેમ” એવી શુભેચ્છાઓ આપી હતી.

મહારાણીના રાજ્યારોહણની પ્લેટિનમ જ્યુબિલી નિમિત્તે રાષ્ટ્રવ્યાપી ઉજવણી જૂનમાં યોજાવાની છે. ગત 6 ફેબ્રુઆરીના રોજ તેમના રાજ્યારોહણની 70મી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ, મહારાણીએ તેમની સેન્ડ્રિંગહામ એસ્ટેટ ખાતે સ્થાનિક લોકો માટે એક રિસેપ્શનનું આયોજન કર્યું હતું. ગયા ઑક્ટોબરમાં અસ્પષ્ટ સ્વાસ્થ્ય સમસ્યાને કારણે હોસ્પિટલમાં એક રાત વીતાવનાર મહારાણી રૂબરૂ જોડાયા હોય તેવો આ પહેલો કાર્યક્રમ હતો.

મહારાણીએ કોરોનાવાયરસ રોગચાળાનો મોટાભાગનો સમય વિન્ડસર કાસલ ખાતે વિતાવ્યો છે. જ્યાં ગયા એપ્રિલમાં 99 વર્ષની વયે તેમના પતિ પ્રિન્સ ફિલિપ અવસાન પામ્યા હતા. તેને “એચએમએસ બબલ” તરીકે ઓળખાવાય છે અને ઘરના કર્મચારીઓની સંખ્યા પણ ઓછી છે.

  • મહારાણીના બીજા પુત્ર, પ્રિન્સ એન્ડ્રુએ ગયા અઠવાડિયે યુએસમાં જાતીય હુમલાના સિવિલ સ્યુટ્સની પતાવટ કરી હતી. અખબારી અહેવાલ મુજબ તેઓ વર્જીનીયા રોબર્ટ્સને સમાધાન પેટે £12 મિલિયનનું આંશિક રીતે ભંડોળ આપશે.

સાઉદી ટાયકૂનને પ્રિન્સ ચાર્લ્સના ચેરિટેબલ ફાઉન્ડેશનમાં દાનના બદલામાં યુકેના સન્માનની ઓફર કરવામાં આવી હતી એવા દાવાઓની લંડન પોલીસ તપાસ કરી રહી છે.