પ્રતિકાત્મક તસવીર (istockphoto)

બ્રિટનમાં કોરોના મહામારીના હાહાકાર વચ્ચે પણ ભારતના વિદ્યાર્થીઓએ બ્રિટિશ યુનિવર્સિટીમાં એડમિશન લેવા ધસારો કરી રહ્યાં છે. યુકેના સેન્ટ્રલાઇઝ્ડ હાયર એજ્યુકેશન એપ્લિકેશન સિસ્ટમના ગુરુવારે જારી થયેલા ડેટા મુજબ કોરોના મહામારી સંબંધિત ટ્રાવેલ નિયંત્રણો હોવા છતાં બ્રિટનનની યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓની અંડરગ્રેજ્યુએટસ એપ્લિકેશનની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે.

યુનિવર્સિટી એન્ડ કોલેજ એડમિશન સર્વિસિસ (UCAS)ના એનાલિસિસ મુજબ નવા શૈક્ષણિક વર્ષ માટે અરજી કરવાની 30 જૂનની છેલ્લી તારીખ સુધીમાં ભારતના 9,930 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. આની સામે ગયા વર્ષે 7,640 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.

આશરે ૧૪૦ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરતાં સંગઠન યુનિવર્સિટી યુકે ઇન્ટરનેશનલ ((UUKi)ના ડાયરેક્ટર વિવિયન સ્ટેર્ને જણાવ્યું હતું કે કે ભારતના વિદ્યાર્થીઓ યુકેમાં અભ્યાસ માટે યોજના બનાવાનું ચાલુ રાખી રહ્યાં છે તે ખરેખર પ્રોત્સાહક છે. ભારતના આ સાહસિક સ્ટૂડન્ટ્સને આવકારવા બ્રિટન ઉત્સુક છે. અમે વિદ્યાર્થીઓની સલામતીનું ધ્યાન રાખીને નવા સત્રનો પ્રારંભ કરીશું.

બ્રિટિશ ઈન્ટરનેશનલ યુનિવર્સિટીના ડાયરેક્ટરે કહ્યું હતું કે આ વર્ષે બધી જ યુનિવર્સિટી થોડી વધારે નરમ થઈને વિદેશી વિદ્યાર્થીઓને આવકારશે. કારણ કે બ્રિટનમાં મહામારીના કારણે એજ્યુકેશન સિસ્ટમ હજુ પાટા પર ચડી નથી, છતાં વિદેશી વિદ્યાર્થીઓએ બ્રિટનની એજ્યુકેશન સિસ્ટમ પર ભરોસો મૂક્યો હોવાથી બ્રિટિશ યુનિવર્સિટી પણ તેમને નિરાશ નહીં કરે.

યુનિવર્સિટી સંગઠનના મુખ્ય અધિકારીએ કહ્યું હતું કે મહામારીના ભય હેઠળ દુનિયાભરનાં સ્ટૂડન્ટ ઉચ્ચ અભ્યાસ માટે સાહસ બતાવીને બીજા દેશમાં જવાની અરજી કરે છે તે ખૂબ જ સારી બાબત છે. સ્ટૂડન્ટ્સ તેમના ભવિષ્ય માટે ખૂબ જ આશાવાદી છે અને બ્રિટન તેમને બિરદાવે છે.

આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ માટે ભારત હજુ યુકેના રેડ લિસ્ટ છે. તેનાથી વેલિડ વિઝા ધરાવતા વિદ્યાર્થીઓએ પણ 10 દિવસ માટે સરકાર માન્ય હોટેલમાં ક્વોરેન્ટાઇન થવું પડે છે.