સૂદાનમાં ખોરાક અને દવાઓની અછતની અસર જાનવરો પર પણ જોવા મળી રહી છે. ખાર્તૂમમાં આવેલ અલ-કુરૈશી ઝૂમાં આની એવી અસર થઈ છે કે જેનાથી પાંચ નર અને માદા સિંહ કુપોષણનો શિકાર બન્યા છે. હવે તો સ્થિતિ એવી છે કે પ્રાણીઓના હાડકા પણ દેખાવા લાગ્યા છે.

સોશયલ મીડિયા પર તાજેતરમાં જ આવા સિંહનો ફોટો વાઈરલ થયો હતો. ત્યારબાદ કાર્યકર્તાઓ અને સામાન્ય લોકોએ સિંહની આ દયનીય પરિસ્થિતિ માટે અવાજ ઉઠાવ્યો છે. સૂદાનમાં હાલ સૂડાન એનિમલ રેસ્ક્યૂ હેશટેગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફેસબુક પર એક્ટિવિસ્ટ ઉસ્માન સાલિહે લખ્યું કે, ‘જ્યારે મેં આ સિંહને પાર્કમાં જોયા, તો તેમના હાડકા દેખાતા હતા.

હું લોકો અને પ્રાણીઓ માટેની સંસ્થાને મદદની અપીલ કરું છું.’તેમની આ પોસ્ટ પછી લોકોની માંગ છે કે સિંહને કોઈ એવી જગ્યાએ મોકલવામાં આવે, જ્યાં પાલન-પોષણ યોગ્ય રીતે થઈ શકે. સોશયલ મીડિયા પર સિંહની લથડતી પરિસ્થિતિને જોયા બાદ રવિવારે મોટી સંખ્યામાં દર્શકો ઝૂમાં પહોંચ્યા.

ન્યૂઝ એજન્સીના ફોટોગ્રાફરના જણાવ્યા પ્રમાણે, 5માંથી એક સિંહને રસ્સીથી બાંધવામાં આવ્યો અને ડ્રિપ દ્વારા ગ્લુકોઝ આપવામાં આવ્યું કારણ કે તેને ડિહાઈડ્રેશન થયું હતું. તેમની વાડ પાસે ખરાબ મટનના ટુકડા પડ્યા હતા. પાર્કના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઝૂ ની ખરાબ પરિસ્થિતિથી મોટાભાગના પ્રાણીઓના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે.