નાગરિકતા સંશોધન કાનૂનના સમર્થનમાં યોજાયેલી જનજાગરણ રેલીને સંબોધન કરતા મંગળવારે દેશના ગૃહમંત્રી અમિત શાહે કૉંગ્રેસ,સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પર તીખા પ્રહારો કર્યા હતા. લખનઉના રામકથા પાર્કમાં એક વિશાળ રેલીને સંબોધતા અમિત શાહે કહ્યુ કે, જેમને જેટલો વિરોધ કરવો હોય એટલો કરી લે, પરંતુ CAA પરત નહીં લેવામાં આવે. તેમણે વિપક્ષને પડકાર ફેંકતા કહ્યુ કે, તેઓ જણાવે કે નાગરિકતા સંશોધન કાયદામાં ક્યાં એવું લખ્યું છે કે કોઈની નાગરિકતા લઈ લેવામાં આવશે.

તેમના કહેવા પ્રમાણે ફક્ત વૉટબેંકની રાજનીતિ માટે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. અમિત શાહે કહ્યુ કે, સીએએ અંગે વિરોધી પાર્ટીઓ દુષ્પ્રચાર અને ભ્રમ ફેલાવી રહી છે, આ કારણે બીજેપી જન જાગરણ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન દેશને તોડનારા લોકો વિરુદ્ધ છે. ગૃહમંત્રીએ કહ્યુ, “નરેન્દ્ર મોદી સીએએ લઈને આવ્યા છે. કૉંગ્રેસ, મમતા બેનરજી, અખિલેશ યાદવ, માયાવતી, કેજરીવાલ તમામ આ બિલ અંગે ખોટી વાતો ફેલાવી રહ્યા છે.

આ બિલને મેં લોકસભામાં રજૂ કર્યું હતું. હું વિપક્ષને કહું છું કે તમે આ બિલ વિશે જાહેરમાં ચર્ચા કરી લો. જો આ બિલ કોઈને નાગરિકતા લે છે તો તેને સાબિત કરી બતાવો. દેશમાં સીએએ વિરુદ્ધ ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, તોફાનો કરવામાં આવી રહ્યા છે. સીએએમાં ક્યાંક પણ કોઈની નાગરિકતા છીનવી લેવાની જોગવાઈ નથી, આ બિલમાં નાગરિકતા આપવાની જોગવાઈ છે.’