ચેન્સેલર ઋષી સુનકે વડાપ્રધાન બોરિસ જોન્સનને પત્ર લખી દેશના અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં સહાય કરવા માટે કોવિડ-19 મુસાફરી નિયંત્રણો તાત્કાલિક હળવા કરવાની હાકલ કરી છે. તેમના ઘર વચ્ચે એક જ દિવાલ હોવા છતાં સુનકે પત્ર લખ્યો તે ઘણાં બધા ઇશારા કરી જાય છે.

‘ધ સન્ડે ટાઇમ્સ’ના અહેવાલ મુજબ સુનકે ચેતવણી આપી છે કે બ્રિટનના સરહદી નિયમો અર્થતંત્ર અને પર્યટનને નુકસાન પહોંચાડી રહ્યા છે. ભારત રેડ લિસ્ટમાં હોવાથી મુસાફરી પર અસરકારક પ્રતિબંધ રહેશે અને બ્રિટિશ રેસિડેન્ટ્સ પરત ફરે તો તેમને ફરજિયાત 10-દિવસનું હોટેલ ક્વોરેન્ટાઇન કરવાનું રહેશે. આગામી ગુરૂવાર 5 ઓગસ્ટના રોજ થનારી સમીક્ષામાં ભારતને એમ્બર લીસ્ટમાં મુકાશે કે પ્રતિબંધો હળવા કરાશે તેવી વ્યાપક આશાઓ છે.

પત્રમાં, સુનકે કથિત રીતે ચેતવણી આપી હતી કે યુકેની બોર્ડર પોલીસી આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો કરતા ઘણી દૂર છે અને પ્રતિબંધો નોકરીઓ પર હાનિકારક અસર કરી રહ્યા છે. લાખો લોકો આ વર્ષના હોલીડે પીરીયડમાં ફ્રાન્સ, ઇટાલી જેવા લોકપ્રિય યુરોપિયન હોલીડે ડેસ્ટીનેશન્સની મુસાફરી કરવા આતુર છે પણ તેઓ કોવિડ-19 ટેસ્ટ્સ કે આઇસોલેશનમાંથી પસાર થવું પડશે કે કેમ તે જાણવા આતુર છે.

વેરિયન્ટ ઓફ કન્સર્ન(VOC) માંથી ડેલ્ટા વેરિયન્ટને ફરીથી વર્ગીકૃત કરવામાં આવે તેવી સંભાવનાઓ વિશે પણ અહેવાલો છે, જો કે તે હવે યુકેનો પ્રબળ સ્ટ્રેઇન છે.