લંડનમાં રહેતા અને નાનપણથી જ સામુદાયિક કાર્યોમાં સક્રિયપણે સામેલ થતા હીરલબેન શાહ અને વિશાલ શાહ બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા યોજાયેલ પેલેસ ઓન વ્હીલ્સ ચેરિટી સાઇકલિંગ ઇવેન્ટમાં 30 જેટલા અન્ય રાઇડર્સ સાથે જોડાઇને ભારત અને સાઉથ એશિયાના દેશોમાં કોલિડ રાહત કાર્યો માટે £30,000નું ભંડોળ એકત્ર કરવામાં સફળ થયા છે.

આ દંપત્તી ક્યારેય લંડનના ટ્રાફિકમાં સાયકલ ચલાવી ન હોવાથી પહેલા નર્વસ હતું. પરંતુ તેઓ મદદરૂપ થવાની ભાવના સાથે કશુંક કરવા ઉત્સાહિત હતા. તેમની પ્રેરણાને બ્રિટીશ એશિયન ટ્રસ્ટના સ્થાપક અને પેટ્રન પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા વધુ મજબૂત કરવામાં આવી હતી. જેને પગલે તેમણે હાઇગ્રોવથી સેન્ડરિંગહામ સુધી 4 દિવસોમાં 420 કિમી સુધી સાઇકલ ચલાવી યુકેના સૌથી પ્રખ્યાત શાહી મહેલોની મુલાકાત લીધી હતી.

બ્રિટિશ એશિયન ટ્રસ્ટે 2016થી અત્યાર સુધીમાં યોજાયેલી તમામ સાઇકલિંગ ઇવેન્ટ્સ દ્વારા કુલ £1.2 મિલિયન ઉભા કર્યા છે. જે ભંડોળ દક્ષિણ એશિયાના સમુદાયોને કોવિડ 19 રાહત કામો, મહિલા સશક્તિકરણ, વંચિત બાળકોને શિક્ષણ પૂરું પાડવા, બાળ તસ્કરી સામે લડવા અને માનસિક સ્વાસ્થ્યને ટેકો આપવા માટે મદદ કરશે.

બે સંતાનોની માતા એવા હીરલબેન શાહ બાર્કલેઝ માટે યુકે ડેટ સ્ટ્રક્ચરિંગના વડા છે અને સાઉથ લંડનમાં રહેતા જાણીતા અગ્રીણી અને સીએ ભરતભાઇ શાહના સુપુત્રી છે. તેમના પતિ વિશાલ શાહ છેલ્લાં બે દાયકાથી, હેલ્થકેર ક્ષેત્રે સક્રિય ઇન્વેસ્ટર અને ઓપરેટર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ચેમ્પિયનિંગ સોશ્યલ કેર માટે સમિતિના સભ્ય અને એમ્બેસડર અને અને કેર ઇંગ્લેન્ડના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપે છે.