(ANI Photo)

સુપ્રીમ કોર્ટે શુક્રવારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે સામે સ્ટે મૂકવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે વારાણસી જિલ્લા અદાલત દ્વારા આપવામાં આવેલા આદેશોમાં કોઇ દોષ નથી. જોકે કોર્ટે જણાવ્યું હતું કે સર્વેની કામગીરી દરમિયાન કોઇ ખાદકામ કરવામાં ન આવે અથવા કોઇ માળખાનો નાશ કરવામાં ન આવે. સુપ્રીમ કોર્ટે સર્વેનો રીપોર્ટ ગોપનીય રાખવાની મુસ્લિમ પક્ષની માગણી પણ ફગાવી દીધી હતી.

અગાઉના દિવસે અલ્હાબાદ હાઇકોર્ટે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં પુરાતત્વીય સર્વેને લીલીઝંડી આપી હતી. તેની સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અયોધ્યા પછી કાશીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વિવાદનું કેન્દ્ર બની છે. હિન્દુ પક્ષનો દાવો છે કે ભગવાન શિવનું મંદિર તોડીને અહીં મસ્જિદ બનાવવામાં આવી હતી, તેથી પુરાતત્વીય સર્વે કરીને સત્ય જાણવું જરૂરી છે. જોકે મસ્જિદ કમિટીએ તેનો વિરોધ કર્યો હતો. આ મસ્જિદ પ્રખ્યાત કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી છે.

વારાણસીની કોર્ટે શિવલિંગ મળી આવ્યો હોવાનો હિન્દુ પક્ષે દાવો કર્યો છે તે બેરિકેડેડ ‘વઝુખાના’ના સરવેની મંજૂરી આપી ન હતી. આ કેસમાં હિન્દુ અરજદારોનો દાવો છે કે હાલમાં જ્ઞાનવાપી મસ્જિદ છે ત્યાં અગાઉ ભગવાન શિવનું મંદિર હતું. મુસ્લિમ પક્ષે સરવેનો વિરોધ કર્યો હતો, તેથી કોર્ટના ચુકાદાથી મુસ્લિમ પક્ષને ફટકો પડ્યો હતો. વજુખાના સિવાયની તમામ પશ્ચિમી દિવાલ અને ત્રણેય થાંભલા સહિત સમગ્ર વિસ્તારનો સર્વે કરવામાં આવશે.

વારાણસીની 4 મહિલાઓ વતી આ માંગણી કરવામાં આવી છે, જેમના નામ છે- લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠક. આ મહિલાઓએ 16 મેના રોજ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અરજી કરી હતી અને વિનંતી કરી હતી કે તમામ વિસ્તારોનો સર્વે કરવામાં આવે.

અગાઉ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજે આગળ આવવું જોઈએ અને “ઐતિહાસિક ભૂલ”નો ઉકેલ આપવો જોઈએ. અહીં ઉલ્લેખનીય છે કે હિન્દુ પક્ષનો દાવો છે કે ઔરંગઝેબે 1669માં જૂના શિવ મંદિરને તોડીને મસ્જિદ બનાવી હતી. તેથી મુસ્લિમોએ ત્યાં ફરી શિવાલય બનાવવા માટે મંજૂરી આપી જોઇએ.

00000000000

LEAVE A REPLY

four × two =