દિલ્હીમાં સિંઘુ બોર્ડર પર ખેડૂતોના આંદોલન દરમિયાન એક આર્ટિસ્ટ્સે ખેડૂથોના આંદોલનની થીમ પર એક પેઇન્ટિંગ બનાવ્યું હતું. (PTI Photo/Shahbaz Khan)

સુપ્રીમ કોર્ટે સોમવારે ત્રણ કૃષિ કાયદાના અમલને મોકૂફ રાખ્યો હતો તથા આંદોલનકારી ખે઼ડૂતો અને સરકાર વચ્ચે મંત્રણા માટે કૃષિ નિષ્ણાતોની સમિતિ બનાવવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટના આક્રમક વલણથી આશરે એક મહિનાથી દિલ્હીની સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતોને મોટી રાહત મળી છે અને મોદી સરકારને ફટકો પડ્યો છે.
ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ જણાવ્યું હતું કે અમે વધુ આદેશ ન થાય સુધી ત્રણ કૃષિ કાયદાના અમલ પર મનાઈહુકમ આપીએ છીએ. સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે આ કાયદા ઉતાવળથી ઘડવામાં આવ્યા નથી અને તે બે દાયકાના વિચારવિમર્શનું પરિણામ છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તે શ્રેષ્ઠ રીતે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે અને કાયદાને સસ્પેન્ડ કરવાની સત્તા છે. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે આ જીવન અને મૃત્યુનો સવાલ છે. અમે કાયદાથી ચિંતિત છીએ. અમે આંદોલનથી અસરગ્રસ્ત લોકોના જીવ અને સંપત્તિ અંગે ચિંતિત છીએ. અમે શ્રેષ્ઠ રીતે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમારી પાસે કાયદાને સસ્પેન્ડ કરવાની સત્તા છે. અમે સમસ્યાનો ઉકેલ લાવવા માગીએ છીએ, તેથી અમે સમિતિ બનાવી રહ્યાં છીએ. અમને નામો આપો, અમે નિર્ણય કરીશું.

26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને ટ્રેકટર રેલી કાઢવાના ખેડૂતોની યોજના સામે દિલ્હી પોલીસે કરેલી અરજીના સંદર્ભમાં કોર્ટે ખેડૂત યુનિયન્સને નોટિસ પણ આપી હતી. દિલ્હીના સીમાડે આશરે એક મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતો ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની માગણી કરી રહ્યાં છે. ખેડૂતો અને સરકાર વચ્ચે અત્યાર સુધી આઠ રાઉન્ડની મંત્રણા થઈ છે, પરંતુ તેમાં કોઇ સમાધાન થયું નથી.