ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના સૌથી સ્વચ્છ શહેરોને સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર 2021 એનાયત કર્યા હતા. આ યાદીમાં ગુજરાતનું એકમાત્ર શહેર સુરત બીજા ક્રમે રહ્યું છે. જ્યારે મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરે સતત પાંચમી વખત પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. આંધ્ર પ્રદેશનું વિજયવાડા આ યાદીમાં ત્રીજા ક્રમે અને નવી મુંબઈ ચોથો ક્રમે રહ્યું હતું. દરમિયાન સ્વચ્છતાની બાબતે રાજ્યની શ્રેણીમાં છત્તીસગઢને પ્રથમ ક્રમ મળ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા બેઠક એવા વારાણસીને સૌથી સ્વચ્છ ગંગા શહેરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મધ્યમ કદના શહેરોમાં નોઈડા પ્રથમ સ્થાને રહ્યું હતું. એક લાખ કરતા ઓછી વસતિ ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં મહારાષ્ટ્રના વિટાનો પ્રથમ ક્રમ રહ્યો હતો. જિલ્લાવાર ક્રમાંક યાદીમાં સુરતને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હતું. ઈન્દોરને બીજું અને નવી દિલ્હીને ત્રીજું સ્થાન ફાળવાયું હતું.