સુરત 70-80 લાખની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સાથે દેશનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનવાની નજીક પહોંચી રહ્યું છે. હાલમાં ચંદીગઢ ૧૦ લાખની વસ્તી કેટેગરીમાં દેશનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર હોવાનું ગૌરવ ધરાવે છે. જોકે જો સુરત આ સીમાચિહ્ન હાંસલ કરે છે, તો તે ૭૦-૮૦ લાખની વસ્તી સાથે ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનનાર પ્રથમ શહેર હશે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠક બાદ કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યના નગરો અને શહેરોને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા માટે એક પહેલ શરૂ કરી હતી. ૨૦૦૬માં સુરતની લગભગ ૩૬ ટકા વસ્તી ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી જે છેલ્લા બે દાયકા પછી હવે માત્ર પાંચ ટકા રહી છે.મંત્રીમંડળની બેઠકમાં, મુખ્યમંત્રીએ અધિકારીઓને સુરતને ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનાવવા માટે તબક્કાવાર અને પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવા સૂચના આપી હતી.













