સ્વામી શિવાનંદ એવોર્ડ લેવા માટે પહોંચ્યા તો તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દંડવત પ્રણામ કર્યાં હતા. સ્વામી શિવાનંદના દ્વારા આ રીતે માન આપવામાં આવતાં નરેન્દ્ર મોદી પણ પોતાના સ્થાન પરથી ઉભા થઈ ગયા હતા અને સ્વામી શિવાનંદને એક વખત નહીં પણ બે વખત નતમસ્તક થઈને પ્રણામ કર્યાં હતા. (ANI Photo)

વિશ્વભરમાં યોગ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપવા માટે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 125 વર્ષીય યોગગુરુ સ્વામી શિવાનંદને સોમવારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા. સ્વામી શિવાનંદ એવોર્ડ લેવા માટે પહોંચ્યા તો તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દંડવત પ્રણામ કર્યાં હતા. સ્વામી શિવાનંદના દ્વારા આ રીતે માન આપવામાં આવતાં નરેન્દ્ર મોદી પણ પોતાના સ્થાન પરથી ઉભા થઈ ગયા હતા અને સ્વામી શિવાનંદને એક વખત નહીં પણ બે વખત નતમસ્તક થઈને પ્રણામ કર્યાં હતા. આ ઉપરાંત સ્વામી શિવાનંદે રાષ્ટ્રપતિને પણ દંડવત પ્રણામ કર્યાં હતા. 125 વર્ષીય સ્વામી શિવાનંદ સામાન્ય પહેરવેશ ધોતી અને કુર્તામાં પદ્મશ્રી સન્માન લેવા માટે પહોંચ્યા હતા. આ સમયે તેઓએ પગમાં ચપ્પલ પણ પહેર્યાં ન હતા. તેઓની આ સાદગીએ આજે તમામનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું હતું. જ્યારે તેઓ સન્માન લેવા માટે આગળ વધ્યા તો સૌ કોઈએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. સ્વામી શિવાનંદ કાશીમાં દુર્ગાકુંડ સ્થિત શિવાનંદ આશ્રમ ચલાવે છે.

સ્વામી શિવાનંદનો જન્મ 8 ઓગસ્ટ 1896ના રોજ હાલ બાંગ્લાદેશમાં સ્થિત સિલેટ જિલ્લાના હરીપુર ગામમાં થયો હતો. સ્વામીની ઉંમર 6 વર્ષની હતી, ત્યારે તેઓએ એક મહિનાની અંદર જ તેમની બહેન, માતા અને પિતાનું નિધન થઈ ગયું હતું. જે બાદ તેઓએ મોહત્યાગ કરીને પરિવારજનોના મૃતદેહને મુખાગ્નિ આપવાનો ઈનકાર કરી દીધો હતો. જે બાદ તેઓ કાશી પહોંચ્યા હતા. અને ગુરુ ઓંકારાનંદ પાસેથી શિક્ષા લઈને સ્વામી શિવાનંદે યોગ અને ધ્યાનમાં મહારત હાંસલ કરી હતી.

પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયા બાદ સ્વામી શિવાનંદે કહ્યું કે, આ સન્માનથી યોગ અને ભારતીય જીવન પદ્ધતિ પર બધાનો વિશ્વાસ વધશે. મારી જીવનશૈલી અને યોગથી પ્રેરણા લઈને પોતાનું જીવન નિરોગી બનાવશે. સ્વામી શિવાનંદનું માનવું છે કે, યોગ અને પ્રાણાયામથી લાંબી અને નિરોગી ઉંમર મેળવી શકાય છે. પહેલાંના લોકો આ જીવન પદ્ધતિઓ અપનાવીને 100 વર્ષથી વધારે સમય સુધી જીવતા હતા.

 

(ANI Photo)