ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરુવારે 24 કલાકમાં સ્થાનિક કેસીઝમાં સૌથી મોટો વધારો નોંધાયો હતો. આથી અહીં લોકડાઉનના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા હતા.
ઉપરાંત ડેલ્ટા વેરિઅંટના કેસમાં પણ વધારો નોંધાયો છે.
સિડનીમાં 24 કલાકમાં નવા 44 કેસ વધતા સ્ટેટ પ્રીમિયર ગ્લેડીઝ બેરેજીક્લિઅને શહેરના પાંચ મિલિયન રહેવાસીઓને જણાવ્યું હતું કે, જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું. સિડનીમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી લોકડાઉન છે, પરંતુ લોકોમાં નવા સંક્રમણનું પ્રમાણ રેકોર્ડ સ્તરે સતત વધી રહ્યું છે, જેમાંથી મોટાભાગના લોકોએ રસી લીધી નથી.
બેરેજીક્લિઅને ન્યુ સાઉથ વેલ્સવાસીઓને ચોંકાવવાનો પ્રયાસ કરતા ચેતવણી આપી હતી કે, ઘરમાં રહેવાના નિયમોના પાલનમાં ઘટાડો થયા પછી તેઓ જ્યારથી મહામારી શરૂ થઇ છે ત્યારથી તેઓ પોતાની સલામતી માટે સૌથી મોટા જોખમનો સામનો કરી રહ્યા છે. સિડનીમાં મધ્ય જુનથી અત્યાર સુધીમાં 439 નવા કેસીઝ જોવા મળ્યા છે.
જોકે, વિશ્વના અન્ય શહેરોની સરખામણીએ આ આંકડો ખૂબ જ ઓછો છે, પરંતુ ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં વ્યાપક સામૂદાયિક ફેલાવાને અટકાવ્યો છે અને વસ્તીના ફક્ત નવ ટકા લોકો એ સંપૂર્ણ રસી લીધી છે.
સ્ટેટ પ્રીમિયરે રહેવાસીઓને જણાવ્યું હતું કે, આપણી પાસે આ વાઇરસ સાથે જીવવાનો વિચાર કરી શકવાની ભવ્યતા નથી. જો હજ્જારો મૃત્યુને ટાળવા હશે તો આ સમયે નિયમોનું પાલન કરવું પડશે. લોકડાઉનના નવા નિયમો મુજબ, બેથી વધુ વ્યક્તિઓને બહાર મળવા પર પ્રતિબંધ મુકવામાં આવશે, અને બિન-જરૂરી પ્રવાસના વર્તમાન પ્રતિબંધનો વધુ કડકાઇથી અમલ કરવામાં આવશે.
બેરેજીક્લિઅને જણાવ્યું હતું કે, આપણે દરેક જે જરૂરી છે તે તમામ નિયમોનું પાલન કરવું જોઇએ. આપણે જે પરિસ્થિતિ જોઇ છે તેના કરતા આ ડેલ્ટા સ્ટ્રેઇન વધુ ચેપી છે.