કેનેડામાં દેશના નાગરિકો માટે મહામારી સંબંધિત મુસાફરીના પ્રતિબંધો હળવા કરવાનું શરૂ કરવામાં આવ્યું છે પરંતુ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું છે કે, રસી નહીં લીધેલા વિદેશી પ્રવાસીઓને દેશને પ્રવેશ આપવા માટે લાંબો સમય થશે. આ લાંબા સમયમાં કંઇ થઇ જશે નહીં. આપણે કેનેડાવાસીઓની સલામતી માટે તેને યથાવત રાખવાનું જરૂરી છે, કારણકે, પાછલા ઘણા મહિનાઓમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે. જોકે, વડાપ્રધાને આવનારા અઠવાડિયાઓમાં નિયમોમાં ફેરફાર કરવાના સંકેત આપ્યા હતા, જે મુજબ સંપૂર્ણ રસીકરણ થયેલ પ્રવાસીઓને કેનેડાની મુલાકાતની મંજૂરી મળી શકે છે. પરંતુ તેમણે તેની વિસ્તૃત માહિતી આપી નહોતી.
કેનેડા અને અમેરિકા વચ્ચેની વિશ્વની સૌથી લાંબી સરહદ, માર્ચ 2020થી બિનજરૂરી પ્રવાસીઓ માટે બંધ છે, તેને ફરીથી શરૂ કરવા માટે અને નબળા પડેલા પ્રવાસન ક્ષેત્ર ઊભું કરવા માટે પ્રવાસના પ્રતિબંધો હળવા કરવા ઓટાવા પર દબાણ વધી રહ્યું છે.
પરંતુ આ અંગે ટ્રુડોએ જણાવ્યું હતું કે, તેમનું વહીવટીતંત્ર કોરોના વાઇરસ સામે જોખમ લેવા ઇચ્છતું નથી. કારણ કે, તાજેતરના સપ્તાહમાં સ્થાનિક રસીકરણમાં વધારો નોંધાતા રોજિંદા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
આ અઠવાડિયાથી કેનેડાએ સંપૂર્ણ રસી લેનારા અને વિદેશથી આવનારા તેના નાગરિકો અને કાયમી નિવાસીઓ માટે ક્વોરન્ટાઇન થવાના નિયમને રદ્ કર્યો છે.
ઓટાવા અને વોશિંગ્ટન વચ્ચે થયેલ કરાર મુજબ ઓછામાં ઓછું 21 જુલાઇ સુધી સરહદ બંધ રાખવાનું નવા કરારમાં નક્કી કરવામાં આવ્યું છે.