(Photo by Oli Scarff/Getty Images)

સરકારે ટી લેવલના વિદ્યાર્થીઓના હાઇ ક્વોલીટી પ્લેસમેન્ટ માટે કેશ બૂસ્ટ જાહેર કર્યું છે. તા. 27થી એમ્પ્લોયરો દરેક ટી લેવલના વિદ્યાર્થીના પ્લેસમેન્ટ માટે £1,000ની રોકડ વૃદ્ધિ માટે પાત્ર થયા છે. રોગચાળામાં રિકવરી થઇ રહી છે ત્યારે વધારાનું ભંડોળ એમ્પ્લોયર્સને પ્લેસમેન્ટ્સ હોસ્ટિંગ ચાલુ રાખવા માટે મદદ કરશે. આ પ્લેસમેન્ટ્સ કારકીર્દિનો વાસ્તવિક અનુભવ આપશે અને વિદ્યાર્થીઓને સારી નોકરી મેળવવા માટે જરૂરી કુશળતા આપશે.

ફ્યુજિત્સુ અને એમેઝોન સહિત 250થી વધુ એમ્પ્લોયરો સાથે બનાવાયેલી નવી ટેક્નીકલ લાયકાતો ત્રણ એ લેવલ્સની સમકક્ષ રહેશે અને ઇન્ડસ્ટ્રી પ્લેસમેન્ટ સાથે ક્લાસરૂમનો અભ્યાસ તેમાં સામેલ હશે. ટી લેવલ એ કૌશલ્ય અને ટેક્નીકલ શિક્ષણમાં ક્રાંતિ લાવવા સરકારના સુધારાઓનો મુખ્ય ભાગ છે, જે ભવિષ્યમાં બિઝનેસ માટે જરૂરી કુશળ વર્કફોર્સ ઉભો કરે છે અને વિદ્યાર્થીઓને સારા પગારવાળી નોકરી, આગળનો અભ્યાસ અથવા એપ્રેન્ટિસશીપમાં આગળ વધવા અનુભવ આપે છે. આ યોજનામાં એમ્પ્લોયર સાથે ઓછામાં ઓછા 45 દિવસ (અથવા 315 કલાક) વિતાવવાના રહેશે.

એપ્રેન્ટિસશીપ્સ એન્ડ સ્કીલ મિનિસ્ટર ગિલિયન કીગને કહ્યું હતું કે “ટી લેવલ એ યુવા લોકો માટે એક ગેમ ચેન્જર છે, જે એ-લેવલ સામે ઉચ્ચ-ગુણવત્તાનો ટેકનીકલ વિકલ્પ પ્રદાન કરે છે અને આપણે રોગચાળામાંથી બહાર નીકળીએ ત્યારે આવતીકાલની કુશળ પ્રતિભા ઉભી કરવામાં મદદ કરે છે.

આ ભંડોળ રોગચાળા દ્વારા અસરગ્રસ્ત એમ્પ્લોયરોને ટેકો આપવા માટે બનાવવામાં આવ્યું છે અને એમ્પલોયર્સ તા. 27 મે 2021થી જુલાઈ 2022 સુધી ઉપલબ્ધ ટી લેવલના સબ્જેક્ટ એરિયા માટે માટે 20 જેટલા વિદ્યાર્થીઓ માટે દાવો કરી શકશે.