DURDLE DOOR, ENGLAND (Photo by Matt Cardy/Getty Images)

ડડલી ખાતે રહેતી તાહિરા જબીન નામની મહિલા સોમવારે તા. 14 ના રોજ ડોરસેટના ડર્ડલ ડોર પાસે મેન ઓ’વાર બીચ નજીક ક્લીફ પરથી નીચે આવતી વખતે પડી જતા તેની પુખ્ત વયની પુત્રીની સામે મોતને ભેટી હતી. સોશિયલ મીડિયા પર પાંચ સંતાનોની માતાની માતા માટે શ્રદ્ધાંજલિઓ પાઠવવામાં આવી રહી છે.

ક્લીફ પરથી નીચે ઉતરતી વખતે અચાનક જે તેમનો પગ લપસી જતાં તેઓ નીચે પડી ગયા હતા. સાક્ષીઓએ જણાવ્યું હતું કે તેમણે બીચ પર જવા માટે શૉર્ટકટ લઇ ખડક પરથી નીચે ઉતરવાનું નક્કી કર્યું હતું. જ્યારે તેની પુત્રીએ બીચ સુધી જવા પગથિયાંનો લાંબો રસ્તો પસંદ કર્યો હતો. ખુશ્નુમા ગરમ દિવસે તેમણે ખડક પરથી નીચે નહિં આવવાની ચેતવણી આપતા ચિન્હોની અવગણના કરી હતી. બીચ પરના લોકોએ પણ તેમને અટકાવવા ચીસો પાડી કહ્યું હતું કે “તમે પડી જશો” અને “તમે મરી શકો છો”. પણ તેમણે “હું આ રીતે નીચે આવી જઈશ” એવો જવાબ આપ્યો હતો.

કોસ્ટગાર્ડ્સ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં પેરામેડિક્સે મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બપોરના આશરે 3-30 કલાકે તેણીને ઘટના સ્થળે મૃત જાહેર કરવામાં આવી હતી. ડોરસેટ પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમણે કોરોનર વતી તપાસ હાથ ધરી છે અને મૃત્યુને શંકાસ્પદ માનવામાં આવતું નથી.

તેણીના પરિવારને ટેકો આપવા માટે જસ્ટ ગિવિંગ પેજ પર કરાયેલ અપીલમાં £4689 એકત્ર થયા છે.