વિખ્યાત તાજ ફૂડ્ઝ દ્વારા એન.એચ.એસ. ફ્રન્ટ લાઇન સ્ટાફ માટે રોજે રોજ 275થી 300 ડીશ 5 કોર્સ વેજ ભોજન પૂરા પાડવામાં આવી રહ્યુ છે. તાજ ફૂડ દ્વારા ક્વીન્સ હોસ્પિટલમાં છેલ્લા બે અઠવાડિયાથી અને  કિંગ જ્યોર્જ અને ન્યૂહામ જનરલના ખાસ કરીને નાઇટ શિફ્ટના સ્ટાફ માટે ભોજન પૂરા પાડવામાં આવી ચૂક્યુ છે. હવે તેઓ વ્હીપક્રોસ અને અન્ય હોસ્પિટલના મેડિક્સને ભોજન પૂરુ પાડનાર છે.

તાજ ફૂડ્ઝના ગીતા સોલંકીએ જણાવ્યુ હતુ કે ‘’ભોજનમાં રોટલી કે નાન, શાક, ભાત, સ્વીટ અને ફરસાણ પૂરા પાડવામાં આવે છે.અત્યાર સુધીમાં આશરે 3,000 ડીશ પૂરી પાડવામાં આવી છે. અમને દૂરની હોસ્પિટલ્સમાંથી પણ વિનંતી કરાઇ રહી છે પરંતુ તે મોકલવામાં તકલીફ થતી હોવાના કારણે તેઓ મુશ્કેલી અનુભવે છે.

તાજ ફૂડ્ઝને ન્યૂહામ યુનિવર્સિટી હૉસ્પિટલ, બર્ટ્સ હેલ્થ એનએચએસ ટ્રસ્ટ તરફથી સેવાઓની કદર તરીકે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઇમેઇલમાં જણાવાયુ હતુ કે ‘’તમારા જેવા દાતાઓ તરફથી ઉમદા સેવા કરી COVID-19 સામે લડત ચાલુ રાખવા માટે જરૂરી માનસિક અને નૈતિક સપોર્ટ પૂરા પાડવામાં આવે છે તે બદલ અમે આપના આભારી છીએ. આ રોગચાળા દરમિયાન તમારી વિશ્વાસુ પહેલ એનએચએસ સ્ટાફની કામગીરી પ્રત્યેની તમારી ઉંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે આ કટોકટી દરમિયાન તમારી સાથે સતત ભાગીદારીની આશા રાખીએ છીએ.”

સોલંકી ફેમીલી અને તાજ ફૂડ્ઝ દ્વારા તેમની આ સેવામાં અન્ય લોકોને જોડવા માટે જસ્ટ ગીવીંગ વેબસાઇટ પર ફંડીંગ માટે અપીલ પણ મૂકી હતી. £5,000નુ દાન એકત્ર કરવાના લક્ષ્યાંકને 100 જેટલા મિત્રો અને પરિચીતો તરફથી જોરદાર ટેકો આપી £11,005નુ દાન જમા કરાવાયુ હતુ.