અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંતના લોકો તાલિબાનનો સામનો કરવા સજ્જ બન્યા હતા. Aamaj News Agency via REUTERS

તાલિબાને ધમકી આપી છે કે જો બાઇડેન સરકાર અફઘાનિસ્તાનમાંથી તેના સૈનિકોને પાછા નહીં ખેંચે તો તેના ગંભીર પરિણામો આવશે. તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમેરિકન પ્રેસિડન્ટ બાઇડેન 31 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન છોડવાની વાત કહી ચૂકયા છે. બાઇડેને પોતાની વાતથી ફરી જવાનો કોઇ મતલબ નથી.તાલિબાને સ્પષ્ટપણે કહ્યું કે 31 ઓગસ્ટથી એક દિવસથી પણ વધુ સમયમર્યાદા વધારી શકતા નથી. જો અમેરિકા અને બ્રિટન 31 ઓગસ્ટથી આગળ એક દિવસ વધારવાનું કહેશે તો તેનો જવાબ ના જ હશે. અને સાથો સાથ ભયંકર પરિણામો પણ ભોગવવું પડશે.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કાબુલ એરપોર્ટ લોકોની ભીડ અંગે તેમણે કહ્યું કે હું તમને ખાતરી આપું છું કે આમા ચિંતિત થવા જેવું કે ડરવા જેવું નથી. તેઓ પશ્ચિમી દેશોમાં રહેવા માંગે છે. કારણ કે અફઘાનિસ્તાન એક ગરીબ દેશ છે અને અફઘાનિસ્તાનના 70 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવે છે. તેથી જ દરેક પશ્ચિમી દેશોમાં સમૃદ્ધ જીવન માટે સ્થાયી થવા માંગે છે. તે ડરવાની વાત નથી.

અગાઉ બ્રિટનને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાંથી પશ્ચિમી દેશોના નાગરિકો અને અફઘાન સહયોગીઓને બહાર કાઢવા માટે 31 ઓગસ્ટની મહેતલમાં વધારો કરવા માટે તે જી-સેવન દેશોની વર્ચ્યુઅલ શિખર બેઠકમાં અમેરિકાને અનુરોધ કરશે.